સુરત ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે’:બે વર્ષમાં 3146 કિલો ડ્રગ્સ ઝડપાતા AAP નેતા પાયલ સાકરીયાનો સરકારને સવાલ

By: Nation Gujarat Team
18 Mar, 2026

ગુજરાતમાં ખુલ્લેઆમ બેરોકટોક ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે, એનો તાજો દાખલો સુરતમાંથી જોવા મળ્યો. ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાંથી બે વર્ષમાં 3146 કિલો ડ્રગ્સ, 16 કિલો અફીણ અને 2620 સીરપની બોટલો ઝડપાઈ હતી. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના યુવા નેતા પાયલ સાકરીયાએ વીડિયોના માધ્યમથી ઉગ્ર પ્રતિક્રિયા આપી છે.

સુરતમાં બે વર્ષમાં 3146 કિલો ડ્રગ્સ પકડાયું પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, યુવા પેઢીને મજબૂત કરવા માટે અને યુવા પેઢીના ભવિષ્ય માટે આપણે સૌ ચિંતિત હોઈએ, ત્યારે ગુજરાતમાં આજે ઠેર ઠેર લાખો અને કરોડોનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. સુરતમાં બે વર્ષમાં 3146 કિલો ડ્રગ્સ પકડાયું છે. સૌથી મોટી વાત એ છે કે ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુરત શહેરથી છે અને એમના શહેરમાંથી હજારો કિલો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ડ્રગ્સ પકડાઈ જાય છે, પરંતુ ડ્રગ્સ મંગાવનાર અને ડ્રગ્સ મોકલનાર પકડાતો નથી.

ડ્રગ્સ મંગાવવાવાળા લોકોને પકડવામાં આવે વધુમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા પાયલ સાકરીયા જણાવ્યું હતું કે, વર્ષોથી આ જ આપણે જોતા આવ્યા છીએ કે ડ્રગ્સ પકડાય છે, પરંતુ ડ્રગ્સ મંગાવનારો અને મોકલનાર પકડાતો કેમ નથી? આજે ખરી વાસ્તવિકતા એ છે કે સુરત ક્રાઇમ કેપિટલ બની ગયું છે અને એની પાછળનું કારણ છે કે ડ્રગ્સના નશામાં યુવાનો ધકેલાઈ રહ્યા છે. આજે સુરતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ડ્રગ્સ લેવાઈ રહ્યું છે તો ગુજરાતના ગૃહમંત્રી અને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ડ્રગ્સ વેચવાવાળા, ડ્રગ્સ મંગાવવાવાળા લોકોને પકડવામાં આવે.

AAP યુવાનોને સાથે રાખીને જનજાગૃતિ અભિયાન ચલાવશે જો આ લોકો પર કંટ્રોલ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં આમ આદમી પાર્ટી તમામ યુવાનોને સાથે રાખીને જનજાગૃતિ અભિયાન ચલાવશે અને સાથે સાથે અમે ડ્રગ્સ બાબતે અવાજ પણ ઉઠાવીશું અને સવાલો પણ કરીશું. જ્યારે એક મોટું ઉગ્ર આંદોલન થશે ત્યારે તમારા હાથમાં કંઈ નહીં રહે અને તમે ફક્ત પોતાના બચાવ કરવા સિવાય કંઈ નહીં કરી શકો. તો અમારી માંગ છે કે ડ્રગ્સ મંગાવનાર, અને મોકલનાર લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

 


Related Posts

Load more