19 માર્ચના રોજ ચૈત્રી નવરાત્રી સાથે ઉત્તરવાહીની નર્મદા પરીક્રમાની પણ શરૂઆત થઈ રહી છે. નર્મદા પરિક્રમામાં પહેલી વખત રાજ્ય સરકાર દ્વારા પોલીસ બૂથ, સુરક્ષા કેબિન અને વૉચ ટાવર ઉભા કરીને ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવશે.
ઉપરાંત તાલીમબદ્ધ સુરક્ષા કર્મચારીઓ અનેક શિફ્ટોમાં ફરજ બજાવશે. ભીડને નિયંત્રિત કરવા માટે વિવિધ પ્રકારની બેરિકેડિંગ વ્યવસ્થા તથા ઇન્ફ્રારેડ અને રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઈડી) આધારિત હેડ કાઉન્ટ સિસ્ટમ દ્વારા યાત્રાળુઓની અવર-જવર પર આધુનિક ટેક્નોલોજી દ્વારા નજર રાખવામાં આવશે.
આ વર્ષે ફાગણ વદ અમાસ 19 માર્ચથી ચૈત્ર વદ અમાસ 17 એપ્રિલ 2026 સુધી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા ચાલશે.જેમાં શ્રદ્ધા, સુરક્ષા અને સુવિધા ત્રણેયનો સુમેળ જોવા મળશે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમા કરનારા હજારો શ્રધ્ધાળુઓની સુવિધા માટે અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે હંગામી તેમજ કાયમી માળખાકીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે, ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત ગુજરાત,રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી પણ લાખો લોકો જોડાય છે.
છેલ્લા ત્રણેક વર્ષોમાં લોકોની ભારે ભીડને જોઈને રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમાને લગતી સુવિધાઓ માં વધારો કરી રહી છે.
મહત્વનું છે કે, પરિક્રમા દરમિયાન નર્મદા નદીને બે વખત પાર કરવાની હોય છે. જેમાં બે વર્ષ પહેલા અસુવિધાના કારણે ઘણા પરિક્રમાવાસીઓ પોતાની પરિક્રમા પુરી કરી શક્યાં ન હતાં. જે બાદથી જ સરકાર દ્વારા હંગામી બ્રિજ બનાવી સુવિધા આપી રહી છે.
શ્રદ્ધાળુઓ માટે રૂા.5.41 કરોડના ખર્ચે આ હંગામી વ્યવસ્થાઓ કરાઈ
યાત્રાધામ બોર્ડ દ્વારા ભક્તો માટે રૂા. 5.07 કરોડના ખર્ચે કાયમી સુવિધાઓ તૈયાર કરાઈ યાત્રાધામ બોર્ડ દ્વારા નર્મદા પરિક્રમાર્થીઓ માટે અત્યાર સુધી કુલ રૂ. 5.07 કરોડના ખર્ચે કાયમી સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં મઢી દેવસ્થાન ખાતે લગભગ રૂ. 99.68 લાખના ખર્ચે પેવર બ્લોક પાથવે, સુવિધા કેન્દ્ર, પીવાના પાણીનો ટાંકો, સોલાર લાઇટ અને શૌચાલય બ્લોક તૈયાર કરાયા છે.
સિદ્ધટેકરી રામ કુંડ ખાતે રૂ. 226.93 લાખના કામો હેઠળ રિટેનિંગ વોલ, પરિક્રમાર્થી સુવિધા કેન્દ્ર, શૌચાલય, પીવાનું પાણી, યાત્રી નિવાસનું નવીનીકરણ, શેડ, ઇલેક્ટ્રિફિકેશન, બોરવેલ, સોલાર લાઇટ તથા ડ્રેનેજ સિસ્ટમનું નિર્માણ તેમજ બલબલા કુંડ ખાતે લગભગ રૂ. 149.87 લાખના ખર્ચે પરિક્રમાર્થી સુવિધા કેન્દ્ર, શૌચાલય, પીવાનું પાણી, ઇલેક્ટ્રિફિકેશન અને પાથવે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.