ધુરંધર 2’એ રિલીઝ પહેલાં જ ₹27.13 કરોડ કમાયા:

By: Nation Gujarat Team
15 Mar, 2026

ડિરેક્ટર આદિત્ય ધર અને એક્ટર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ એટલે કે ‘ધુરંધર 2’ એ રિલીઝ પહેલા જ પેઇડ પ્રિવ્યૂમાં રેકોર્ડ બનાવ્યો છે. ‘ધુરંધર 2’ એ રિલીઝ પહેલા પેઇડ પ્રિવ્યૂ દ્વારા લગભગ ₹27.13 કરોડની કમાણી કરી છે.

ફિલ્મે ‘ધેય કોલ હિમ ઓજી’ (₹23 કરોડ) અને ‘બાહુબલી 2’ (₹22 કરોડ) ને પાછળ છોડી દીધી. આ કલેક્શન ‘સ્ત્રી 2’ ના ₹8.5 કરોડની સરખામણીમાં લગભગ ત્રણ ગણું છે.

સામાન્ય રીતે નિર્માતાઓ થિયેટ્રિકલ રિલીઝ પહેલા દર્શકોની પ્રતિક્રિયા જાણવા માટે કેટલાક પસંદગીના પેઇડ પ્રિવ્યૂ શો રાખે છે. 19 માર્ચે ‘ધુરંધર 2’ રિલીઝ થશે. તે પહેલા 18 માર્ચે દેશભરમાં 9550 પેઇડ પ્રિવ્યૂ શો રાખવામાં આવ્યા છે. તેની 5.38 લાખ ટિકિટો વેચાઈ ચૂકી છે.

મુંબઈમાં એક ટિકિટની કિંમત 3100 રૂપિયા સુધી રહી, જ્યારે દિલ્હીમાં 2400 રૂપિયા રહી. આ રીતે ફિલ્મ રિલીઝ પહેલા જ ભારતમાં ₹27.13 કરોડ કમાઈ ચૂકી છે. જો પહેલાથી બ્લોક કરાયેલી ટિકિટોને ઉમેરી દેવામાં આવે તો કમાણી ₹31.9 કરોડ સુધી પહોંચી જશે.

‘ધુરંધર 2’ 200 કરોડની વૈશ્વિક કમાણી કરે તેવી શક્યતા

વિશ્વભરમાં બુક થયેલા પેઇડ પ્રિવ્યૂ શોની કમાણી જોઈએ તો તે ₹60 કરોડ સુધી પહોંચે છે. અમેરિકામાં 690 સ્થળોએ 1765 શો રાખવામાં આવ્યા છે. તેમની 67 હજાર ટિકિટ બુક થઈ ચૂકી છે. સમગ્ર ઉત્તર અમેરિકામાં કમાણી 13.1 લાખ ડોલર (₹12.12 કરોડ) થઈ ચૂકી છે.

ફિલ્મ વિવેચક તરણ આદર્શના મતે, ‘ધુરંધર 2’ હિન્દી ફિલ્મ ઇતિહાસનો નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવા જઈ રહી છે. રિલીઝના પહેલા દિવસે 19 માર્ચે ફિલ્મ ₹200 કરોડની વૈશ્વિક કમાણી કરી શકે છે.

નોંધનીય છે કે, ‘ધુરંધર 2’ માં રણવીર સિંહ ઉપરાંત અર્જુન રામપાલ, સંજય દત્ત અને આર. માધવન પણ જોવા મળશે. આ ફિલ્મને આદિત્ય ધરે લખી, ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી છે. આ ઉપરાંત જ્યોતિ દેશપાંડે અને લોકેશ ધર પણ ફિલ્મના પ્રોડ્યુસર છે. આ ફિલ્મને જિયો સ્ટુડિયોઝ દ્વારા રજૂ કરવામાં આવી છે અને તે B62 સ્ટુડિયોઝના બેનર હેઠળ બની છે. આ ફિલ્મને પાંચ ભાષાઓ – હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવશે.

‘ધુરંધર’ને શાનદાર રિસ્પોન્સ મળ્યો હતો

નોંધનીય છે કે, ફિલ્મ ‘ધુરંધર’ના પહેલા ભાગે ભારતની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસ પર પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મે દુનિયાભરમાં લગભગ ₹1,303 કરોડની કમાણી કરી. ભારતમાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન ₹1,005.85 કરોડ રહ્યું, જ્યારે નેટ કલેક્શન લગભગ ₹836.95 કરોડ થયું. આ સાથે જ તે ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી સિંગલ-લેંગ્વેજ ફિલ્મ બની ગઈ છે.

વિદેશી બજારોમાં પણ ફિલ્મ ‘ધુરંધર’ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. ઓવરસીઝમાં તેણે લગભગ ₹299.5 કરોડનો કારોબાર કર્યો. ખાસ કરીને અમેરિકા અને કેનેડામાં ફિલ્મે ₹193.06 કરોડથી વધુની કમાણી કરીને ‘બાહુબલી 2’નો રેકોર્ડ પણ પાછળ છોડી દીધો. રસપ્રદ વાત એ છે કે, આ મોટી સફળતા ફિલ્મને ત્યારે મળી, જ્યારે તેને ખાડી દેશોમાં રિલીઝ કરવાની મંજૂરી મળી ન હતી. આ ઉપરાંત, ‘ધુરંધર’ ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ‘A’ રેટેડ ફિલ્મ પણ બની ગઈ છે.


Related Posts

Load more