Surat News: સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા સંકુલ શાળામાં એક પ્રેરણાદાયક ઘટના સામે આવી છે. અહીં એક 65 વર્ષના એક દાદાએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય રીતે આ ઉંમરે લોકો આરામદાયક જીવન જીવવાનું પસંદ કરે છે, પરંતુ આ દાદાએ સાબિત કરી બતાવ્યું કે શિક્ષણ માટે ઉંમર ક્યારેય અવરોધ બનતી નથી.
પોતાના સપનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું!
મળતી માહિતી મુજબ, દાદાનો અભ્યાસ ઘણા વર્ષો પહેલા કેટલીક પરિસ્થિતિઓને કારણે અધૂરો રહી ગયો હતો. પરંતુ અભ્યાસ પ્રત્યેની તેમની ઈચ્છા ક્યારેય ઓછી થઈ નથી. વર્ષો પછી ફરીથી હિંમત સાથે અભ્યાસ શરૂ કરીને તેમણે ગુજરાતી વિષયની પરીક્ષા આપી પોતાના સપનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
જીવનમાં કંઈક શીખવાની લાગણી!
આ પ્રસંગે શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ પટેલ તેમજ સંચાલક ભરતભાઈએ દાદાને અભિનંદન પાઠવ્યા અને તેમની મહેનત તથા અભ્યાસ પ્રત્યેના જુસ્સાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે દાદાનો આ પ્રયાસ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે અને જીવનમાં કંઈક શીખવાની લાગણી હોય તો ઉંમર ક્યારેય અડચણ બની શકતી નથી.
શીખવાની ઈચ્છા હોય તો કોઈપણ વયે નવો માર્ગ થાય છે શરૂ!
શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પણ દાદાની હિંમત અને મહેનતને વખાણવામાં આવી હતી. આ ઘટના સમાજને સંદેશ આપે છે કે શિક્ષણ માટે કોઈ ઉંમર મર્યાદા નથી – શીખવાની ઈચ્છા હોય તો કોઈપણ વયે નવો માર્ગ શરૂ કરી શકાય છે.