સંજુ સેમસન: જ્યારે ‘ખોટો સિક્કો’ ગણવામાં આવતો હતો
વર્લ્ડ કપ પહેલા સંજુ સેમસનનું ફોર્મ અત્યંત ખરાબ હતું. ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં તે સતત 5 મેચમાં ફ્લોપ રહ્યો હતો, જેના કારણે તેની પાસેથી વિકેટકીપિંગની જવાબદારી પણ છીનવી લેવામાં આવી હતી. એવું નક્કી જેવું જ હતું કે ભારત ઈશાન કિશન સાથે જ વર્લ્ડ કપમાં આગળ વધશે. જોકે, ટીમમાં ડાબોડી બેટ્સમેનોની સંખ્યા વધી જવાથી કોમ્બિનેશન ખોરવાઈ રહ્યું હતું. આખરે, સુપર-8માં હાર બાદ રિન્કુ સિંહના સ્થાને સેમસનને તક આપવામાં આવી.
સંજુ સેમસનનો કહેર
સેમસનને જેવી તક મળી, તેણે તેને બંને હાથે ઝડપી લીધી. ઝિમ્બાબ્વે સામે 24 રન કરીને તેણે સારી શરૂઆત આપી, પરંતુ ત્યારબાદ જે થયું તે ઇતિહાસ બની ગયો હતો. ‘વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ’માં 196 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 97 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ સામે 89 રન ફટકારી જીત અપાવી હતી. ન્યૂઝીલેન્ડ સામે ફરી એકવાર 89 રનની મહત્વની ઇનિંગ રમી હતી. 5 મેચમાં 321 રન બનાવીને સેમસન ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો અને તે ટીમ માટે ‘ટ્રમ્પ કાર્ડ’ સાબિત થયો. તેના આ શાનદાર પ્રદર્શન બદલ તેને ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ ના એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.