રાજ્યની મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલુ વર્ષે આગામી 1 થી 2 મહિનામાં યોજવાની છે, ત્યારે 10 માર્ચના રોજ ટર્મ પૂરી થવાના ચાર દિવસ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી દ્વારા વિકાસના કામોને મંજુરી આપવામાં આવી.
શહેરમાં નવા રોડ, બ્રિજ, ડ્રેનેજ પાણી સહિતની અલગ અલગ સુવિધાઓના 215થી વધુ કામોને મંજૂરી આપવામાં આવી છે. ચૂંટણી સુધીમાં આ તમામ કામો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી શકે છે. ભાવનગર મનપાનું ચાલુ વર્ષ 2026-27નું 1900 કરોડનું બજેટ રજૂ કરાયું હતું જેના કરતાં 600 કરોડથી વધુના વિકાસકામોને મંજૂરી આપી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, 10 માર્ચે હવે હાલની ચૂંટાયેલી પાંખની ટર્મ પૂરી થવા જઇ રહી છે, ત્યારે આજની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં મહાનગરના રૂ.2500 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રૂ.600 કરોડના રોડ પ્રોજેક્ટના કામો છે, આ સિવાય ડ્રેનેજ અને વોટર પ્રોજેક્ટના અલગ-અલગ કામોને મંજૂરી આપવામાં આવી છે, તેના પરિણામે અમદાવાદનો વિકાસ રોકેટગતિએ વૈશ્વિક કક્ષાએ થઈ રહ્યો છે. આગામી સમયમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે ત્યારે, સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ઝડપી થાય તે પ્રકારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ અપાવતા કામોને મંજૂરી આપવામાં આવી છે.
નરોડાથી નારોલ સુધી આઈકોનિક રોડની મંજૂરી આપવામાં આવી છે. સુભાષબ્રિજને ક્ષતિના કારણોસર બંધ કરવામાં આવ્યો હતો. હવે તેની ટેકનિકલ પ્રોસેસ પૂરી થતા સ્ટેન્ડિંગ કમિટીની અંદર સુભાષ બ્રિજના રિનોવેશન માટે રૂ. 240 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય, ગુજરાત યુનિવર્સિટી તેમજ એલ.ડી એન્જિનિયરીંગ સહિતના વિવિધ ભવનો, હેરિટેજ ઈમારત, મંદિરને વધુ સારી રીતે વિકસાવવા રૂ.250 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદમાં કાંકરિયા અને વસ્ત્રાપુર લેક છે, એવી રીતે સાઉથ બોપલની અંદર લોટસ ગાર્ડન બનાવવામાં આવશે. જેમાં ભારતના દરેક રાજ્યના ફૂલોની પ્રતિકૃતિ જોવા મળશે. આમ, લોકોનો હેપ્પીનેસ ઈન્ડેક્સ વધે એ રીતે લોટસ ગાર્ડન બનાવવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે CCRS કમ્પલેઈન્ટ સેવા એપ છે, જેની ઉપર નગરજનો 155303 નંબર દ્વારા ફરિયાદ કરતા હોય છે. તેને આધુનિક રીતે વિકસિત કરવામાં આવશે, અમદાવાદ દેશની પહેલી મહાનગરપાલિકા બનશે જેની એપ AI આધારિત હશે. પહેલાના સમયમાં કમ્પલેઈન ક્લોઝ થઈ જતી હતી, તેના બદલે પહેલા અને પછી એટલે કે, કામ થયા પહેલા અને પછીનો ફોટો અપલોડ થશે.
સ્ટેન્ડિંગ કમિટીમાં AI આધારિત CCRSના કામને મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં 100 જંક્શનના કામને મંજૂરી આપવામાં આવી હતી અને બીજા 25 જંક્શનને ડેવલોપ કરવામાં આવશે. અલગ-અલગ વોર્ડમાં હોલ, યુએચસી, બ્રિજ, ફૂટપાથ સહિતના વિવિધ રૂ.2500 કરોડ કરતા વધુ કામોને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. તેના પરિણામે, શહેરની વિકાસની ગતિશીલતમાં વધારો થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઐતિહાસિક 2400 કરોડથી વધુના કામોને એક જ દિવસમાં મંજૂરી આપવામાં આવી છે. જેને લઈને વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં ટર્મ પૂરી થવાને માત્ર ત્રણ દિવસ બાકી છે એની પહેલા એક જ દિવસમાં ભાજપના નેતાઓને વિકાસ કાર્યો યાદ આવી ગયા છે. છેલ્લા પાંચ વર્ષમાં ક્યારેય સ્ટેન્ડિંગ કમિટીમાં એક સાથે 215 થી વધુ કામોને મંજૂરી આપવામાં આવી નથી, ત્યારે એક સાથે 2400 કરોડથી વધુના કામોને મંજૂરી આપવામાં આવતા ક્યાંકને ક્યાંક શંકા થઈ રહી છે.