ભારતનાં પૂર્વ ક્રિકેટ કપ્તાન સૌરવ ગાંગુલી પર બની રહી છે બાયોપીક, કોણ કરશે સૌરવ ગાંગુલી (sourav ganguly) ?

By: Nation Gujarat Team
03 Mar, 2026

sourav ganguly -ભારતનાં પૂર્વ ક્રિકેટ કપ્તાન સૌરવ ગાંગુલી પર બનતી બાયોપિક માટે કાસ્ટિંગની ચર્ચાઓ ઝડપી બની રહી છે. ફિલ્મ શૂટિંગ શરૂ થવામાં થોડા અઠવાડિયા બાકી હોવા છતાં હજુ ઘણાં મહત્વના રોલ ફાઇનલ થવાનાં બાકી છે, જે આટલી મોટી ફિલ્મ માટે થોડું અસામાન્ય માનવામાં આવે છે.

મિડિયા રીપોર્ટ મુજબ બોમન ઇરાનીને ગાંગુલીના પિતા ચંડી ગાંગુલીના રોલ માટે વિચારવામાં આવી રહ્યાં છે, જોકે ચર્ચા હજુ ચાલું છે. ગાંગુલીના મોટા ભાઈ અને પૂર્વ ક્રિકેટર સ્નેહાશિશ ગાંગુલીના રોલ માટે પણ હજુ કોઈ અભિનેતા નક્કી થયો નથી.

તે જ રીતે ગજરાજ રાવને પૂર્વ બીસીસીઆઈ પ્રમુખ જગમોહન દલમિયાના પાત્ર માટે વિચારવામાં આવી રહ્યાં છે. પ્રોડક્શન ટીમે તેમનાં અગાઉનાં અભિનયથી પ્રભાવિત થઈ તેમને ફિલ્મમાં લેવાની ઇચ્છા દર્શાવી છે.

ફિલ્મનું શૂટિંગ 16 માર્ચથી કોલકાતામાં શરૂ થવાનું આયોજન છે. ગાંગુલીની માતાના રોલ માટે ટોલીવૂડ અભિનેત્રી અપરાજિતા આધ્યાનું નામ ચર્ચામાં છે. કાસ્ટિંગ પ્રક્રિયામાં અન્ય ઘણાં બંગાળી કલાકારો જેમ કે અભિર ચટર્જી, દ્રનીલ ઘોષ અને શશ્વત ચટર્જી પર પણ વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ લુક ટેસ્ટ અને તારીખોની ઉપલબ્ધતા જેવી મુશ્કેલીઓના કારણે વાત આગળ વધી શકી નહીં. ગાંગુલીની પત્ની ડોના ગાંગુલીના રોલ માટે પણ હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી.

ફિલ્મના પ્રી-પ્રોડક્શન કામ માટે વિક્રમાદિત્ય મોટવણે પોતાની ટીમ સાથે કોલકાતાની મુલાકાત લીધી હતી. ટીમે પ્રખ્યાત ક્રિકેટ મેદાન ઇડન ગાર્ડન્સનું પણ નિરીક્ષણ કર્યું.
ફિલ્મમાં સૌરવ ગાંગુલીનો રોલ રાજકુમાર રાવ નિભાવશે. રોલ માટે તેઓ ખાસ તૈયારી કરશે.

માહિતી મુજબ તેઓ કોલકાતાના બેહાલા વિસ્તારમાં સમય વિતાવી શકે છે, જ્યાં ગાંગુલીએ બાળપણ વિતાવ્યું, સાથે સાથે રાજકુમાર રાવ ઇડન ગાર્ડન્સ તથા સૌરવના ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લઈને તેમનાં મેદાન પર અને મેદાન બહારનાં વ્યક્તિત્વને સમજવાનો પ્રયત્ન કરશે.

સૌરવ ગાંગુલીની બાયોપિકનું શૂટિંગ લગભગ 40 દિવસના શેડ્યૂલમાં કોલકાતા, લંડન અને મુંબઈમાં થવાનું અનુમાન છે. ફિલ્મ અંગે દર્શકોમાં પહેલાથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ગાંગુલીના જીવનની પ્રેરણાદાયી સફર મોટા પડદા પર જોવા દર્શકો ઉત્સાહિત છે.


Related Posts

Load more