65 વર્ષીય એન્જિનિયર પતિએ હથોડાના ઘા ઝીંકીને પત્નીની પતાવી દીધી

By: Nation Gujarat Team
28 Feb, 2026

સુરતના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં એક 65 વર્ષીય નિવૃત્ત સિવિલ એન્જિનિયર પતિએ ઘર કંકાસ અને માન સન્માન ના આપતાં હોવાથી કંટાળીને પોતાની પત્નીની હથોડાના ઘા ઝીંકી હત્યા કરી હતી. ત્યાર બાદ પુત્રને ફોન કરીને કહ્યું કે મેં તારી માને મારી નાખી છે. આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિની અડાજણમાંથી ધરપકડ કરી છે.

ઊંઘી રહેલા પત્ની પર હથોડાના ઘા ઝીંક્યા સુરત અડાજણના આનંદ મહેલ રોડ પર આવેલી સન રેસીડેન્સીમાં રહેતા 65 વર્ષીય દિનેશ પરષોત્તમભાઇ પટેલ છેલ્લા દોઢ વર્ષથી નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા હતાં. શુક્રવારે(27 ફેબ્રુઆરીએ) બપોરના સમયે જ્યારે તેમની 54 વર્ષીય પત્ની તૃપ્તિબેન ઊંઘી રહ્યા હતા, ત્યારે દિનેશભાઈએ ઘર કંકાસનો ગુસ્સો કાઢવા માટે લોખંડના હથોડા વડે તેમના પર હુમલો કર્યો હતો. ઊંઘમાં રહેલા તૃપ્તિબેનના માથાના અને ચહેરાના ભાગે હથોડાના ઉપરા-છાપરી ઘા ઝીંકવામાં આવ્યા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પુત્રને ફોન કરી કહ્યું, ‘મેં તારી માને મારી નાખી છે’ હત્યા કર્યા બાદ આરોપી પતિએ ઘરને બહારથી તાળું મારી દીધું અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ તેણે નોકરી પર ગયેલા પોતાના મોટા પુત્ર કૃણાલને ફોન કર્યો હતો. ફોન પર પિતાએ માત્ર એટલું જ કહ્યું કે, મેં મારું કામ કરી નાખ્યું છે. શરૂઆતમાં કૃણાલને પિતાની વાત સમજાઈ નહોતી. પરંતુ વારંવાર પૂછપરછ કરતા પિતાએ અત્યંત નિર્દયતાથી જણાવ્યું કે, મે તારી મા ને મારી નાખી છે.

માતાની લોહીલુહાણ લાશ જોઈ પુત્રની પગ નીચેથી જમીન સરકી પિતાની વાત સાંભળી પુત્ર કૃણાલ તાત્કાલિક ઘરે દોડી આવ્યો હતો, પરંતુ ઘર બહારથી લોક હોવાથી તે અંદર જઈ શક્યો નહોતો. તેણે તેના નાના ભાઈ વિદીતને બોલાવ્યો અને તેની પાસે રહેલી ચાવીથી દરવાજો ખોલતા જ બંને ભાઈઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમની માતા તૃપ્તિબેન લોહીથી ખરડાયેલી હાલતમાં મૃત પડ્યા હતા અને નજીકમાં જ લોહીવાળો હથોડો પણ પડેલો હતો.

પતિ દ્વારા પત્નીની હત્યા, તપાસમાં ખુલાસો ડીસીપી એલ. બી. ઝાલાએ જણાવ્યું હતું કે, 27 ફેબ્રુઆરી, 2026ના રોજ આનંદ મહલ રોડ, અડાજણ ખાતે આવેલ સન રેસિડેન્સીમાં રહેતાં 54 વર્ષીય તૃપ્તિબેન પટેલની હત્યાનો બનાવ બન્યો. જેમાં ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસ સ્ટેશનથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને સમગ્ર બાબતની તપાસ કરતા મૃતક તૃપ્તિબેનની હત્યા તેના પતિ દિનેશ પટેલ દ્વારા કરેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું.

અવારનવાર ઘરકંકાસના સામાન્ય બાબતોમાં ઝઘડા થતા એલ. બી. ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ઘરકંકાસ, નાના-નાના ઝઘડાઓ જેમ કે જમવાનું બનાવવાની બાબત તથા જે આરોપી છે દિનેશ પટેલ, તે છેલ્લા દોઢ-બે વર્ષથી કોઈ કામધંધો કે નોકરી કરતા નહીં અને તેથી તેઓના મનમાં સતત પોતાનું અપમાન થતું હોય અને માન-સન્માન પોતાના પરિવારમાં જળવાતું ના હોય તે પ્રકારની ભાવનાથી તે પીડાતા હતાં. અને તેની પત્ની પણ તેમને પૂરું માન-સન્માન ના આપતી એ બાબત તેઓને લાગતા અને અવારનવાર ઘરકંકાસના સામાન્ય બાબતોમાં ઝઘડા થતા આ સમગ્ર ઘટના બનેલ છે.

આરોપી ઉગ્ર સ્વરૂપનો હોવાથી તેને આ બધી બાબતનું લાગી આવ્યું હતું અડાજણ પીઆઈએ જણાવ્યું હતું કે,આ વ્યક્તિ નિવૃત્ત હોવાથી તે એક દોઢ વર્ષથી કોઈ કામ ધંધો કરતો ન હતો અને તેથી ઘરમાં તેને ઝઘડા થતા હતા પત્ની સાથે જમવાને લઈ અને અન્ય કારણો સર તેને ઝઘડા થતા હતા અને તેને કોઈ સરખું માન સન્માન ન મળતું હોવાનું આરોપીને લાગતું હતું. તેના સંતાનો પણ તેને યોગ્ય માન સન્માન આપતા ન હતા. આરોપી ઉગ્ર સ્વરૂપનો હોવાથી તેને આ બધી બાબતનું લાગી આવ્યું હતું અને તેથી તેણે આવેશમાં આવીને બપોરે તેની પત્નીને હથોડા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પોલીસે આરોપી પતિને અડાજણમાંથી પકડ્યો આ પછી પુત્ર એ તેના પિતા વિરુદ્ધ માતાની અત્યારની અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધાવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીને કલાકમાં જ આરોપીની અડાજણમાંથી ધરપકડ કરવામાં આવી છે અને હવે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.


Related Posts

Load more