કેનેડા ભણવા જવા ઈચ્છતા ગુજરાતીઓ માટે માઠા સમાચાર, જાણો કયો સ્ટડી નિયમ બદલાયો?

By: Nation Gujarat Team
24 Feb, 2026

ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓને તો અમેરિકા બાદ જો સૌથી વધુ કોઈ દેશ આકર્ષતો હોય તો તે છે કેનેડા. કેનેડા જવા માટે ગુજરાતીઓના ખુબ ધમપછાડા પણ હોય છે અને અનેક ગુજરાતીઓ દર વર્ષે કેનેડા કાં તો અભ્યાસ માટે અથવા તો નોકરી માટે જતા હોય છે. આ બધા વચ્ચે જે વિદ્યાર્થીઓ સ્ટડી વિઝા પર જવાનું પ્લાનિંગ કરતા હશે તેમના માટે એક આંચકો આપે તેવા સમાચાર આવ્યા છે. કેનેડાની સરકારે સ્ટડી પરમિટના નિયમોમાં ફેરફાર કર્યો છે.

સ્ટડી પરમિટ નિયમમાં શું  ફેરફાર?
કેનેડાની સરકારે સ્ટડી પરમિટ નિયમમાં હવે ફેરફાર  કર્યો છે. આ ફેરફાર બાદ હવે જે વિદેશી વિદ્યાર્થીઓ ફૂલ ટાઈમ કોર્સ શરૂ કરતા પહેલા જરૂરી શોર્ટ ટર્મ કોર્સ કરતા હોય છે તેમને ઓછા સમયગાળા માટે સ્ટડી પરમિટ ઈશ્યુ કરાશે. કેનેડામાં એવા અનેક કોર્સ છે જેમાં એડમિશન લેતા પહેલા શોર્ટ ટર્મ કોર્સ કરવો પડતો હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓને બેઝિક નોલેજ મળતું હોય છે.

IRCC ( ઈમિગ્રેશન, રેફ્યૂજી એન્ડ સિટિઝનશીપ કેનેડા)ની નવી માર્ગદર્શિકા પ્રમાણે હવે અધિકારીઓ ફક્ત શોર્ટ ટર્મ કોર્સનો સમયગાળો અને 90 વધારાના દિવસોને જોડીને જે સમયમર્યાદા હશે તેટલા સમય માટે જ સ્ટડી પરમિટ ઈશ્યુ કરશે. ત્યારબાદ જો વિદ્યાર્થીએ આગળ કોર્સ કરવો હોય તો તેણે નવેસરથી પરમિટ માટે અરજી કરવી પડશે.

શું હતો જૂનો નિયમ
આ પહેલા જે જૂનો નિયમ હતો તે મુજબ પહેલા કોર્સનો પૂરેપૂરો સમય અને એક વધારાના વર્ષને જોડીને જે તારીખ આવે તેટલા સમય માટે સ્ટડી પરમિટ મળતું હતું. એટલે કે કોર્સનો સમય અને વધારાનું એક વર્ષ.

કયા વિદ્યાર્થીઓને લાગૂ પડશે?
જે પણ વિદ્યાર્થીઓને કન્ડીશનલ એડમિશન ઓફર લેટર મળી ચૂક્યો છે તેવા બધા જ વિદ્યાર્થીઓ આ નવા નિયમ હેઠળ આવશે. પરંતુ કોર્સ શરૂ કરતા પહેલા તેમના માટે ઈંગ્લિશ એઝ એ સેકન્ડ લેંગવેજ (ESL) જેવા કોર્સ પૂરા કરવા રહે છે. કેટલાક કેસોમાં મેથ્સ સંલગ્ન કોર્સિસ માટે પણ કેટલાક શોર્ટ  ટર્મ કોર્સ કરવાની જરૂર પડે છે. નવા નિયમ મુજબ વિદ્યાર્થીઓએ કેનેડા આવતા પહેલા સ્ટડી પરમિટ માટે અરજી  કરવાની રહેશે. પછી તેઓ બીજી પરમિટ માટે દેશમાં રહીને અરજી કરી શકે છે.

વિદ્યાર્થીઓની પહેલી સ્ટડી પરમિટ  ભલે એક્સપાયર થઈ ગઈ હોય પરંતુ હજુ તેને જો બીજી પરમિટ ન મળી હોય તો તેવા કેસમાં તેને મેન્ટેન્ડ સ્ટેટસ હેઠળ અભ્યાસ  કરવાની મંજૂરી મળશે. એક વાર અધિકારી અરજી પ્રોસેસ કરે ત્યારબાદ તેને નવા સ્ટડી પરમિટ આપવામાં આવશે. આ પરમિટ તેણે જે કોર્સનો અભ્યાસ કરવાનો છે તે કોર્સના સમયગાળા સુધી માન્ય રહેશે. જેમ કે જો તે ચાર વર્ષનો બેચલર્સ કોર્સ કરશે તો તેને તે સમયગાળા માટે સ્ટડી પરમિટ આપવામાં આવશે.


Related Posts

Load more