Ahmedabad News : શહેરમાં ફરી એકવાર આગની ઘટનાએ માસૂમ જિંદગીઓ છીનવી લીધી છે. અમદાવાદના બકેરી સિટી વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરી રો-હાઉસમાં આજે વહેલી સવારે લાગેલી આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા એક વૃદ્ધા અને એક માસૂમ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગાઢ નિદ્રામાં હતો પરિવાર અને કાળનો પંજો ત્રાટક્યો
ઘટનાની વિગતો મુજબ, કૃષ્ણનગરી સોસાયટીના મકાન નંબર 4માં જ્યારે આખો પરિવાર વહેલી સવારે ગાઢ નિદ્રામાં હતો, ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ મિનિટોમાં આગની જ્વાળાઓએ આખા ઘરને લપેટમાં લઈ લીધું હતું. ઘરમાં હાજર સભ્યો કંઈ સમજે તે પહેલાં જ ધુમાડાના ગોટેગોટા અને આગની લપેટમાં આવી જતાં લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન
સ્થાનિક લોકોએ આગ જોઈને તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રેસ્ક્યુ કામગીરી દરમિયાન ટીમે ઘરની અંદર ફસાયેલા એક વૃદ્ધા અને એક બાળકને અત્યંત ગંભીર હાલતમાં બહાર કાઢ્યા હતા. બંનેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
તપાસનો ધમધમાટ
પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્ય શું છે તે જાણવા માટે ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે એફએસએલ (FSL) ની મદદથી તપાસ શરૂ કરી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર ફાયર સેફ્ટીના સાધનો અને જાગૃતિ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.