વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સની ઓફિસમાં વેલેન્ટાઇન ડેના રોજ એક યુવકને તાલિબાની સજા આપતો વીડિયો વાઇરલ થયો છે. એને પગલે પોલીસે માર મારનારા 2 યુવકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. શહેરની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકે તેની ગર્લફ્રેન્ડને મેસેજ કરીને ડિનર માટે બોલાવી હતી. એને પગલે યુવતીના ભાઇ સહિતના 4થી5 લોકોએ યુવકને ઢોરમાર માર્યો હતો. એને પગલે સમગ્ર મામલો અકોટા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો, જોકે યુવકે ફરિયાદ કરવાની ના પાડતાં અકોટા પોલીસે કલમ 151 અંતર્ગત 2 યુવકની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ગર્લફ્રેન્ડને મેસેજ કરી ડિનર પર બોલાવતાં મામલો બિચક્યો વડોદરા શહેરની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકને શહેરની એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. પછી તેઓ મોબાઇલ પર મેસેજથી વાતો કરતાં હતાં અને બંને વચ્ચે પ્રેમ થયો હતો. વેલેન્ટાઇન ડેના રોજ યુવકે તેની ગર્લફ્રેન્ડને મેસેજ કરીને ડિનર પર બોલાવી હતી, જેની જાણ યુવતીના ભાઇને થઈ ગઇ હતી. યુવતીનો ભાઇ અને યુવક બંને સારા મિત્રો છે, જેથી યુવતીના ભાઇએ યુવકને અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સની ઓફિસમાં બોલાવ્યો હતો અને ત્યાં યુવતી પણ હાજર હતી. યુવતીના ભાઇ સહિત 4થી 5 લોકોએ યુવકને તાલિબાની સજા આપતા હોય એમ ઢોરમાર માર્યો હતો. યુવતીએ પણ યુવકને લાફા ઝીંક્યા હતા, તેનો વીડિયો પણ ઉતાર્યો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
વીડિયો વાઇરલ થતાં અકોટા પોલીસ એક્શનમાં આવી હતી અને ફરિયાદી અને યુવકને માર મારનારા 2 યુવકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં બદનામીના ડરથી યુવકે પોલીસ ફરિયાદ કરવાની ના પાડી દીધી હતી. જેથી પોલીસે કલમ 151 હેઠળ 2 આરોપીની અટકાયત કરી હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.
યુવતીની હાજરીમાં ભાઈ સહિતના યુવકોએ બેફામ ગાળાગાળી કરી સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે એેમાં એક યુવતી અને ત્રણ યુવકો નજરે પડી રહ્યાં છે. ત્રણ પૈકીનો એક યુવક યુવતીનો ભાઈ હોવાનું જણાય છે. યુવતીની હાજરી હોવા છતાં યુવકો બેફામ ગાળાગાળી કરતા નજરે પડી રહ્યા છે. યુવતીને જે યુવકે મેસેજ કર્યો હતો તેને બંધક બનાવી લાકડી, મુક્કા અને થપ્પડો મારી રહ્યા છે. વીડિયોમાં દેખાતા લોકોને સંવાદના મુખ્ય અંશો…
પીડિત યુવકઃ ‘અમે લોકો બહાર ગયા હતા’
સામેનો યુવકઃ ‘બહેન કહીને તું શું કરે છે, પછી શું થયું હતું, તું સાચું બોલ, તું ઊઠકબેઠક કર, કાન પકડ.’
પીડિત યુવકઃ ‘ઊભા રહો,ચશ્માં તૂટી જશે’
યુવતીઃ ‘એક મિનિટ ઊભો રહો, તું સાચું બોલ, નહીં તો હું મારીશ. હું ઇજ્જતથી બહુ મારીશ’
સામેનો યુવકઃ ‘બોલ હેપ્પી બર્થ ડે.’
યુવતીઃ ‘હું તારી શું થાઉ?’
પીડિત યુવકઃ ‘બહેન છે મારી.’
યુવતીઃ ‘મારા પપ્પાને બોલાવશે તોપણ મને શરમ નહીં, તું કહે છે કે તું ખોટો છે’
પીડિત યુવકઃ ‘હું કહું છું કે હું ખોટો છું.’
સામેનો યુવકઃ ‘તું સાચું બોલ, શું થયું હતું?’
પીડિત યુવકઃ ‘અમે લોકોએ વાતચીત કરી હતી અને અમે બેઠાં હતાં. અમે રાત્રે બેઠાં હતાં અને શાંતિથી વાતચીત કરી હતી’
સામેનો યુવકઃ ‘સાચું કહે કે તારા ઘરે શું થયું હતું, તારી ઔકાત ભૂલી ગયો છે, તું બહેન બોલ.’
પીડિત યુવકઃ ‘હું માનું છું કે મારી ભૂલ છે, સોરી ભાઇ, આજ પછી આવું નહીં થાય. કોઇપણ હોય, ઔકાતમાં રહીશ, એ મારી બહેન છે’