ટી20 વર્લ્ડકપમાં ભારતે શાનદાર દેખાવ કરીને પાકિસ્તાનને 61 રને હરાવતા ભારતીય ક્રિકેટ રસિયાઓ ખુશખુશાલ થઈ ગયા છે. આ જીત સાથે ભારત સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગયું છે. જોકે હવે ચાહકોના મનમાં પ્રશ્ન છે કે, શું T20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન ફરી ટકરાશે? આમ તો સેમિફાઇનલ-ફાઇનલના ગણિત મુજબ બંને દેશો વચ્ચે હજુ એક મેચ થવાની સંભાવના છે, પરંતુ તે માટે પાકિસ્તાને ઘણા પડકારો પાર પાડવા પડે તેમ છે. તો જાણીએ તે ગણિત શું છે?
પાકિસ્તાન માટે સુપર-8માં પહોંચવું પડકારજનક
ભારત પાકિસ્તાનને હરાવીને સુપર-8માં પહોંચી ગયું છે. ટી20 વર્લ્ડકપમાં ઇતિહાસમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આઠમી વખત જીત નોંધાવી છે. બીજીતરફ આ હારના કારણે પાકિસ્તાન માટે સુપર-8માં પહોંચવું પડકારજનક બની ગયું છે. જો તે સુપર-8માં પહોંચવામાં સફળ થશે તો પછી ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી મુકાબલો થવાની સંભાવના છે, પરંતુ આમાં પણ ગણિત રહેલું છે.
4 ગ્રૂપની ટોપ-2 ટીમો સુપર-8માં પહોંચશે
ટી20 વર્લ્ડકપ-2026માં કુલ 20 ટીમોમાંથી પાંચ-પાંચ ટીમોને ચાર ગ્રૂપ A, B, C, Dમાં રાખવામાં આવી છે. દરેક ગ્રૂપની ટોપ-2 ટીમો સુપર-8માં પહોંચશે. ત્યારબાદ 8 ટીમોને જુદા જુદા ગ્રૂપમાં સેટ કરવામાં આવશે અને પછી રાઉન-ફોર્મેટ મુજબ મુકાબલો રમાડાશે. આમાંથી દરેક ગ્રૂપની ટોપ-બે ટીમોને સેમિફાઇનલમાં સ્થાન મળશે.
ICCનો પ્રી-સીડિંગ નિયમ
ICCએ ટુર્નામેન્ટ પહેલા સુપર-8 માટે પ્રી-સીડિંગનો નિયમ બનાવ્યો છે. એટલે કે પહેલેથી જ નક્કી છે કે, ક્વોલિફાય કરનારી કઈ ટીમને કયા સુપર-8 ગ્રૂપમાં સ્થાન મળશે. ભારતને X1 તરીકે ગ્રૂપ-1માં રખાયું છે. ઈંગ્લૅન્ડને Y1, ઓસ્ટ્રેલિયાને X2, ન્યૂઝીલૅન્ડને Y2, વેસ્ટઈન્ડિઝને X3, પાકિસ્તાનને Y3, દક્ષિણ આફ્રિકાને X4 અને શ્રીલંકાને Y4 તરીકે પસંદગી કરવામાં આવી છે. જો આ આઠ ટીમોમાંથી જે-જે ક્વોલિફાય ન થાય તો તેમના સ્થાને ગ્રૂપ મેચોમાં ક્વોલિફાય થયેલી ટીમને સ્થાન અપાશે.
ભારત-પાકિસ્તાનની મેચ સુપર-8માં સંભવ નહીં
ચાહકોમાં એવો પણ પ્રશ્ન છે કે, શું સુપર-8માં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની સંભાવના છે. તો આનો જવાબ છે ના… કારણ કે નિયમ એવો છે કે જો પાકિસ્તાન તેની છેલ્લી મેચમાં નામીબિયાને હરાવીને સુપર 8માં ક્વોલિફાય થાય, તો પણ તે ગ્રૂપ 2(Y3)માં જ રહેશે. જ્યારે ભારત પોતાના ગ્રૂપમાં ગમે તે સ્થાન પર રહે, તે ગ્રૂપ 1(X1)માં જ રહેશે. આનો અર્થ એ છે કે સુપર 8 સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવાની કોઈ શક્યતા નથી, કારણ કે બંને ટીમો અલગ-અલગ ગ્રૂપમાં છે.
સેમીફાઇનલનું ગણિત
હવે વાત કરીએ સેમીફાઇનલની… જો ભારત પોતાના સુપર 8 ગ્રૂપમાં પ્રથમ આવે અને પાકિસ્તાન પોતાના ગ્રૂપમાં બીજા નંબરે રહે (અથવા તેનાથી ઉલટું), તો તેમની વચ્ચે સેમીફાઇનલમાં મુકાબલો થઈ શકે છે.
ફાઇનલમાં ટક્કર થવાની સંભાવના
T20 વર્લ્ડકપ-2026ની ફાઇનલ મેચ 8 માર્ચે રમાવાની છે. જો બંને ટીમો પોતપોતાની સેમીફાઇનલ જીતી જાય, તો અમદાવાદ અથવા કોલંબોમાં રમાનારી ફાઇનલ મેચમાં ભારત-પાકિસ્તાનનો જંગ જોવા મળી શકે છે. ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડકપની ફાઇનલમાં અત્યાર સુધીમાં માત્ર એક વખત ટકરાયા છે. બંને વચ્ચે 2007માં ફાઇનલમાં મુકાબલો થયો હતો, જેમાં ભારત ચેમ્પિયન બન્યું હતું