Junagadh News : લોક સાહિત્યકાર માયા આહીરનો પુત્ર જયરાજ આહીર ફરી વિવાદમાં આવ્યો છે. જુનાગઢના મહાશિવરાત્રિના ભવનાથના મેળામાં જયરાજ આહીરને VVIP સુવિધા મળતા નવી ચર્ચાએ વેગ પકડ્યો છે. ખાનગી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં જયરાજ આહીર ખાનગી બસ લઈને ભવનાથ દર્શન કરવા પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોથી નવું રાજકારણ ગરમાયું છે.
શિવરાત્રિના મેળામાં વીવીઆઈપી સુવિધા
જુનાગઢના ભવનાથના મેળામાં લાખો ભાવિક ભક્તો આવી રહ્યાં છે. આ માટે કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને ભાવિક ભક્તો શાંતિથી મેળો માણે તે માટે મેળામાં કોઈ પણ ખાનગી વાહનો પર પ્રતિબંધ છે. દર વર્ષે વાહનો માટે તંત્ર દ્વારા પાસ ઈશ્યુ કરવામાં આવતા હતા. પરંતું આ વર્ષે ખાનગી વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતું પ્રતિબંધ હોવા છતાં માયાભાઈ આહીરના દીકરો જયરાજ આહીર ખાનગી બસમાં ભવનાથ દર્શન કરવા પહોંચ્યો હતો.
જયરાજ આહીરે મિત્રો સાથે ભવનાથમાં રાત્રિ દર્શન કર્યા હતા. એક તરફ બસ સહિતના ખાનગી વાહનો પર મેળામાં પ્રતિબંધ મૂકાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ પગપાળા મેળામાં પહોંચીને તંત્રના નિયમોનું પાલન કર્યુ હતું. ત્યારે જયરાજ આહીરની ખાનગી બસ પહોંચી કઈ રીતે મેળામાં પહોંચી?
જુના અખાડા પાસે બસને ઊભી રખાઈ હતી. ત્યારે સોશ્યલ મીડિયામાં વાયરલ વીડિયોથી અનેક સવાલો ઉભા થયા છે. શું રસ્તામાં આવતી પોલીસ ચેકપોસ્ટ પર કોઈએ તેમને રોકવાની હિંમત ન કરી? જયરાજ આહીરને એવી છુટ કેમ અને કેવી રીતે મળી તે પણ મોટા સવાલો છે.
વીડિયો વાયરલ થતા તપાસના આદેશ
કલેક્ટર અનિલ રાણાવસીયા દ્વારા આ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. નાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “આ વર્ષે મેળામાં VIP કલ્ચરને કોઈ સ્થાન નથી. આ ઘટના વિશે માહિતી મળતા જ અમે તપાસના આદેશ આપી દીધા છે. કયા સંજોગોમાં અને કોની મંજૂરીથી આ ખાનગી બસ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશી તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થશે.
જૂનાગઢના ભવનાથ મંદિર ખાતે ધ્વજા રોહણ સાથે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમો મીની કુંભ મહાશિવરાત્રી મેળો ખુલ્લો મુકાયો હતો. જે 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. દર વર્ષની જેમ આ વખતે વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રી મેળો ભવ્ય રીતે ઉજવણી ચાલી રહ્યો છે.
હાલમાં જ જેલમુક્ત થયો છે જયરાજ આહીર
બગદાણાના સેવકને માર મારવાના વિવાદ બાદ થયેલા કેસમાં જયરાજ આહીરની ધરપકડ થઈ હતી, અને તેને જેલભેગો કરાયો હતો. હજી હાલમાં જ જામીન મળ્યા બાદ જયરાજ આહીર બહાર આવ્યો છે. જેના બાદ તે એક ખાનગી સમારોહમાં કવિરાજ જિગ્નેશ સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. ડાયરા કિંગનો પુત્ર હવે આ ઘટનાથી ફરી વિવાદમાં આવ્યો છે.