મહિલાઓ મોટી સંખ્યામાં નોકરી અને વ્યવસાય સાથે જોડાઈ રહી છે અને કેટલીક સેવાઓ તથા વ્યવસાયિક ક્ષેત્રોમાં રાત્રિ શિફ્ટની જરૂરિયાત રહેતી હોય છે. આવી પરિસ્થિતિમાં કામ અને વેતનની સમાન તકો ઉપલબ્ધ કરાવવી જરૂરી હોવાનું સરકારનું માનવું છે. પ્રસ્તાવિત સુધારા મુજબ, મહિલાઓને ઓવરટાઈમ માટે તેમના સામાન્ય વેતનના બમણા દરે ચૂકવણી કરવી પડશે. જો કોઈ કર્મચારીને દિવસના 9 કલાકથી વધુ અથવા અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ માટે કહેવામાં આવે અને તે મંજૂર કરે, તો તેને બમણું વેતન આપવું ફરજિયાત રહેશે.
ત્રણ મહિનાના ગાળામાં ઓવરટાઈમના કુલ કલાકો 144થી વધુ નહીં રહે તેવી મર્યાદા નક્કી કરવામાં આવશે. હાલ અમલમાં રહેલી 125 કલાકની મર્યાદાને વધારી 144 કલાક કરવાની જોગવાઈ પણ સામેલ કરવામાં આવી છે. ઉપરાંત, કોઈપણ કર્મચારીને સતત 5 કલાકથી વધુ કામ કરવા માટે મજબૂર કરી શકાશે નહીં, જો સુધી અડધો કલાકનો વિરામ આપવામાં ન આવ્યો હોય.
સુધારા વિધેયક મુજબ, જે દુકાન કે સંસ્થામાં મહિલાઓ કાર્યરત હોય ત્યાં આરામ માટે અલગ રૂમ, શૌચાલય, રાત્રિ દરમિયાન જરૂરી સુવિધાઓ, તેમની ગૌરવ અને સન્માન જળવાય તેવી વ્યવસ્થા કરવી ફરજિયાત રહેશે. સંસ્થા દ્વારા મહિલાઓને તેમના નિવાસસ્થાન સુધી લાવવા-લઈ જવાની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવી પડશે. સાથે સાથે જાતીય સતામણી સામે રક્ષણ માટે આંતરિક ફરિયાદ સમિતિ સહિતની વ્યવસ્થા ઊભી કરવી પડશે.
સરકારને યોગ્ય લાગે તેવા વિસ્તાર અથવા સંસ્થાઓ માટે ખાસ નિયમન લાદવાની જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે, જેથી મહિલાઓની સુરક્ષા અંગે કોઈ સમાધાન ન થાય. જરૂરી જણાય તો સરકાર 24 કલાક કામ અંગે નિયંત્રણ કે પ્રતિબંધ લગાવી શકે તેવી સત્તા પણ રાખશે.કેન્દ્ર સરકાર દ્વારા લવાયેલા ચાર નવા શ્રમ કાયદાઓની જોગવાઈઓને રાજ્ય કાયદામાં સમાવી લેવામાં આવશે. મહિલાઓને સમાન રોજગારી તકો અને સુરક્ષિત કાર્યપરિસ્થિતિ મળે તે દિશામાં આ સુધારા મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.