જન ગણ મન પહેલાં વંદે માતરમ વાગશે:નવી માર્ગદર્શિકા જાહેર

By: Nation Gujarat Team
11 Feb, 2026

કેન્દ્ર સરકારે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર, હવે સરકારી કાર્યક્રમો, સરકારી શાળાઓના આયોજનો કે અન્ય ઔપચારિક આયોજનોમાં ‘વંદે માતરમ’ વગાડવામાં આવશે. આ દરમિયાન તેના સન્માનમાં દરેક વ્યક્તિનું ઊભા રહેવું ફરજિયાત રહેશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન એકસાથે ગાવામાં આવે કે વગાડવામાં આવે, તો વંદે માતરમ પહેલા વાગશે, અને આ દરમિયાન ગાનારા કે સાંભળનારાઓએ સાવધાન મુદ્રામાં ઊભા રહેવું પડશે. જેથી સન્માન અને રાષ્ટ્રીય ભાવનાનો સ્પષ્ટ સંદેશ મળે.

નવા નિયમો અનુસાર, હવે વંદે માતરમનું છ ફકરાવાળું 3 મિનિટ અને 10 સેકન્ડનું પૂરું સંસ્કરણ વગાડવામાં આવશે. તેમાં દુર્ગા સહિત ત્રણ હિંદુ દેવીઓનો ઉલ્લેખ છે. અત્યાર સુધી વંદે માતરમના મૂળ ગીતના છ ફકરામાંથી ફક્ત પહેલા બે ફકરા જ ગાવામાં આવતા હતા.

તિરંગો ફરકાવવા, કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિના આગમન, રાષ્ટ્રના નામે તેમના ભાષણો અને સંબોધનો પહેલાં અને પછી, અને રાજ્યપાલોના આગમન અને ભાષણો પહેલાં અને પછી સહિત અનેક સત્તાવાર પ્રસંગોએ વંદે માતરમ વગાડવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

સિનેમા હોલમાં નવા નિયમો લાગુ નહીં પડે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્રએ 28 જાન્યુઆરીએ ગાઈડલાઈન જાહેર કરી હતી. 10 પાનાના આદેશમાં, સરકારે એમ પણ કહ્યું કે સિવિલિયન પુરસ્કાર સમારોહ, જેમ કે પદ્મ પુરસ્કાર સમારોહ અથવા આવા કોઈપણ કાર્યક્રમમાં જ્યાં રાષ્ટ્રપતિ હાજર હોય, ત્યાં પણ વંદે માતરમ વગાડવામાં આવશે.

જોકે, સિનેમા હોલને નવા નિયમોથી દૂર રાખવામાં આવ્યા છે. એટલે કે સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થતા પહેલા ‘વંદે માતરમ’ વગાડવું અને ઊભા રહેવું ફરજિયાત નહીં હોય. અધિકારીઓ અનુસાર, નવા નિર્દેશો ‘વંદે માતરમ’ના સન્માનની સ્પષ્ટ દિશા પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યા છે.

બંકિમચંદ્રએ 1875માં લખ્યું હતું, આનંદમઠમાં છપાયું હતું

ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમ્ ને બંકિમચંદ્ર ચેટર્જીએ 7 નવેમ્બર 1875 ના રોજ અક્ષય નવમીના પવિત્ર અવસર પર લખ્યું હતું. તે 1882માં પ્રથમ વખત તેમના સામયિક બંગદર્શનમાં તેમની નવલકથા આનંદમઠના ભાગ રૂપે છપાયું હતું.

1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોરે મંચ પર વંદે માતરમ્ ગાયું. આ પહેલો પ્રસંગ હતો જ્યારે આ ગીત સાર્વજનિક રૂપે રાષ્ટ્રીય સ્તરે ગવાયું. સભામાં હાજર હજારો લોકોની આંખો ભીની હતી.

શિયાળુ સત્ર દરમિયાન થયો હતો વિવાદ

કેન્દ્ર સરકારે ગયા વર્ષે વંદે માતરમના 150 વર્ષ પૂરા થવા પર સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિશેષ ચર્ચાનું આયોજન કર્યું હતું. લોકસભા અને રાજ્યસભામાં આ મુદ્દે ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકાર પશ્ચિમ બંગાળમાં યોજાનારી આગામી ચૂંટણીઓને લઈને રાષ્ટ્રગીતને મુદ્દો બનાવી રહી છે.

જ્યારે ભાજપે કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિ હેઠળ વંદે માતરમના ભાગો કાપવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે 1937માં દેશના પ્રથમ PM જવાહરલાલ નેહરુનો એક પત્ર શેર કર્યો હતો, જે તેમણે સુભાષચંદ્ર બોઝને લખ્યો હતો.

ભાજપે આરોપ લગાવ્યો હતો કે પત્રમાં નેહરુએ સંકેત આપ્યો હતો કે વંદે માતરમની કેટલીક પંક્તિઓ મુસ્લિમોને અસ્વસ્થ કરી શકે છે. સંસદમાં ચર્ચા દરમિયાન ભાજપના પૂર્વ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે રાષ્ટ્રગીતને પણ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજ સમાન દરજ્જો મળવો જોઈએ.

8 ડિસેમ્બર 2025: PMએ કહ્યું હતું- કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કર્યા

PM મોદીએ લોકસભામાં વંદે માતરમ્ પર એક કલાકનું ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું- વંદે માતરમ્ અંગ્રેજોને જડબાતોડ જવાબ હતો, આ નારો આજે પણ પ્રેરણા આપી રહ્યો છે. આઝાદી સમયે મહાત્મા ગાંધીને પણ આ પસંદ હતું. તેમને આ ગીત નેશનલ એન્થમ તરીકે દેખાતું હતું.

પીએમએ કહ્યું કે, તેમના માટે આ ગીતની તાકાત મોટી હતી. તો પછી છેલ્લા દાયકાઓમાં તેની સાથે આટલો અન્યાય કેમ થયો? વંદે માતરમ સાથે વિશ્વાસઘાત કેમ થયો? એ કઈ તાકાત હતી, જેની ઈચ્છા પૂજ્ય બાપુની ભાવનાઓ પર પણ ભારે પડી? પીએમ મોદીએ એક કલાકની સ્પીચમાં 121 વખત વંદે માતરમ કહ્યું હતું.


Related Posts

Load more