ઓલિમ્પિક 2036ની તૈયારીનું પાવરહાઉસ: વસ્ત્રાલમાં ઉભું થયું અમદાવાદનું વૈશ્વિક સ્તરનું સ્પોર્ટ્સ ટ્રેનિંગ હબ

By: Nation Gujarat Team
03 Feb, 2026

અમદાવાદ: રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે પહોંચાડવા દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. નારણપુરામાં નિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બાદ હવે શહેરના પૂર્વ વિસ્તારમાં, SP રિંગ રોડ નજીક વસ્ત્રાલ ખાતે રૂ. 51 કરોડથી વધુના ખર્ચે એક અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થયો છે. આ પ્રોજેક્ટ અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક 2036 જેવી આંતરરાષ્ટ્રીય રમતો માટે ખેલાડીઓ તૈયાર કરવાની ક્ષમતા ધરાવતા શહેર તરીકે સ્થાપિત કરે છે.

વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં TP-114 અને FP-155 પ્લોટ પર નિર્માણ પામ્યો છે. SP રિંગ રોડ નજીક હોવાને કારણે આ કોમ્પ્લેક્સ શહેરના વિવિધ વિસ્તારો તેમજ આસપાસના જિલ્લાઓથી સરળતાથી પહોંચી શકાય તેવો છે. કુલ 44,764 ચોરસ મીટર જમીનમાં ફેલાયેલો આ કોમ્પ્લેક્સ 18,282 ચોરસ મીટર બિલ્ટ-અપ એરિયામાં વિકસાવવામાં આવ્યો છે, જે ભવિષ્યમાં મોટા પાયે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ અને ટ્રેનિંગ કેમ્પ માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે.

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ખાસિયત એ છે કે, અહીં આઉટડોર અને ઇન્ડોર બંને પ્રકારની રમતો માટે વૈશ્વિક ધોરણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આઉટડોર સેગમેન્ટમાં 400 મીટરનો ગ્રાસી એથ્લેટિક ટ્રેક અને ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યો છે, જે સ્કૂલ, સ્ટેટ અને નેશનલ લેવલના એથ્લીટ્સ માટે ટ્રેક એન્ડ ફીલ્ડ તથા ફૂટબોલ ટ્રેનિંગ માટે મહત્વપૂર્ણ બનશે. સાથે સાથે ચાર આઉટડોર ટેનીસ કોર્ટ, લોંગ જમ્પ અને ટ્રિપલ જમ્પ પિટ અને વિશાળ પાર્કિંગ એરિયા કોમ્પ્લેક્સને સંપૂર્ણ બનાવે છે.

વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બે મુખ્ય બિલ્ડીંગનો સમાવેશ થાય છે- લાઇબ્રેરી-કેફેટેરિયા બિલ્ડીંગ અને ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. લાઇબ્રેરી બિલ્ડીંગ કુલ 1964.62 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે, જેમાં સેન્ટ્રલ એસી સાથે 120 બાળકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. આ બિલ્ડીંગ ખેલાડીઓના શૈક્ષણિક વિકાસ અને માનસિક તૈયારી માટે ખાસ ઉપયોગી બનશે.

ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટ લેવલ પર 91 ટુ-વ્હીલર અને 40 ફોર-વ્હીલર માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મોટા ઇવેન્ટ્સ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાપન સરળ બની રહે. ગ્રાઉન્ડ ફ્લોર પર એડમિનિસ્ટ્રેશન ઓફિસ, સ્ટાફ હોલ અને કેફેટેરિયા સાથે 6 ટેબલ ટેનિસ રમાઈ શકે તેવો વિશાળ હોલ બનાવવામાં આવ્યો છે.

આ કોમ્પ્લેક્સમાં 25 મીટર × 20 મીટરનું સ્વિમિંગ પૂલ, આધુનિક ફિલ્ટ્રેશન પ્લાન્ટ સાથે બનાવવામાં આવ્યું છે. અહીં કોચ રૂમ, ચેન્જિંગ રૂમ અને ટોયલેટ બ્લોક ઉપરાંત પહેલા માળે 100 દર્શકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે, જે સ્થાનિક સ્પર્ધાઓ માટે મહત્વપૂર્ણ રહેશે.

પહેલા માળે સ્ટીમ અને જકુઝી સુવિધા સાથેનું અત્યાધુનિક જીમ્નેશિયમ બનાવવામાં આવ્યું છે, જે એથ્લીટ્સના ફિઝિકલ કન્ડિશનિંગ અને રિકવરી માટે ઉપયોગી બનશે. આ સાથે જ મલ્ટીપર્પઝ હોલમાં યોગા, માર્શલ આર્ટ્સ, જુડો, કરાટે, ઍરોબિક્સ, બોક્સિંગ અને ફ્લોર એક્સરસાઇઝ જેવી રમતોની વ્યવસ્થા કરવામાં આવી છે.

બીજા માળ પર વિશાળ મલ્ટીપર્પઝ હોલમાં બેડમિંટન, વૉલીબૉલ અને બાસ્કેટબૉલ જેવી રમતો માટે આંતરરાષ્ટ્રીય ધોરણની કોર્ટ્સ બનાવવામાં આવી છે. આ રમતોને નિહાળવા માટે ત્રીજા માળે 170થી વધુ દર્શકો બેસી શકે તેવી ગેલેરી તૈયાર કરવામાં આવી છે.

રૂ. 51 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલું આ અત્યાધુનિક સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટર અમદાવાદ માટે માત્ર એક ઈમારત નથી, પરંતુ ભવિષ્યના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ તૈયાર કરવાનો મિશન છે. લોકાર્પણ બાદ અહીં બાળકો અને યુવાનોને વૈજ્ઞાનિક તાલીમ, કોચિંગ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે તૈયાર કરવામાં આવશે, જેથી અમદાવાદ અને ગુજરાત દેશ-વિદેશમાં રમતગમતના નકશા પર મજબૂત રીતે ઉભરી શકે.


Related Posts

Load more