અમદાવાદના ફાર્મા ગ્રુપની કરોડોની GST ચોરીનો પર્દાફાશ:32 જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું

By: Nation Gujarat Team
22 Jan, 2026

ગુજરાત રાજ્ય GST વિભાગે અમદાવાદ સ્થિત MKS આલ્કલીઝ એન્ડ કેમિકલ પ્રા. લી. અને જે.કે. ઈન્ટરનેશનલ ટ્રેક લિંક સહિતની 11 પેઢીઓ દ્વારા કરવામાં આવેલી મોટાપાયે GST ચોરીનો પર્દાફાશ કર્યો છે. 5 કરોડની કરચોરી મામલે કેયુર દિપક શાહ અને રોમલ વિનોદકુમાર બાફનાની ધરપકડ કરી છે.

કુલ 32 જગ્યાઓમાં આયોજનબદ્ધ રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન ધ્યાને આવેલ કે ઘણી પેઢીઓ અમદાવાદ ખાતે આવેલ એક જ જગ્યાએથી સંચાલિત થતી હતી. કેટલીક ફાર્મા કંપનીઓએ પોતાના GST રજીસ્ટ્રેશનની વિગતોમાં ફેરફાર કરીને આયર્ન એન્ડ સ્ટીલ/ઇંગોટ્સના ટ્રેડિંગને ધંધાકીય પ્રવૃત્તિ તરીકે દર્શાવેલ હતી. જયારે હકીકતમાં આવી પેઢીઓ માલની હેરફેર કર્યા વિના ખોટા બિલો અને ઇ-વે બિલોના આધારે ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવામાં સંડોવાયેલી હતી. RFID, ઇ-વે બિલો અને ટોલ પ્લાઝા પરના ડેટા વેરિફિકેશન સહિતના અદ્યતન ડેટા એનાલિટિક્સ દ્વારા આ વ્યવહારો માત્ર કાગળ પરના (પેપર ટ્રાન્ઝેક્શન) હોવાનું ફલિત થયેલ. તદુપરાંત, કેટલાક ધંધાના સ્થળ તરીકે દર્શાવેલ સ્થળો પર પેઢીઓ વાસ્તવમાં કાર્યરત ન હોવાનું પણ જણાયુ હતું.

રૂ. 20.68 કરોડની ITC ખોટી રીતે મેળવવામાં આવી રેકોર્ડ આધારિત ચકાસણી મુજબ અત્યાર સુધીમાં કુલ રૂ.114.89 કરોડના કરપાત્ર વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં રૂ. 20.68 કરોડની ITC ખોટી રીતે મેળવવામાં આવેલ. આમ, આ તપાસો દરમિયાન મળી આવેલ કર ચોરીની રકમ રૂ.5 કરોડથી વધુ હોઈ CGST/GGST અધિનિયમની કલમ 132 હેઠળ આ ગુનો કોગ્નિઝેબલ અને બિન-જામીનપાત્ર છે. કેસની ગંભીરતાને ધ્યાને લઇ બે વ્યક્તિઓની ધરપકડ કરી, નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, અમદાવાદ સમક્ષ રજૂ કરવામાં આવેલ. જેઓને કોર્ટ દ્વારા ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે, જેમાં જપ્ત કરાયેલા દસ્તાવેજો, ડિજિટલ પુરાવા, નાણાકીય વ્યવહારો (ફાઇનાન્શિયલ ટ્રેલ્સ) તથા આંતરરાજ્ય કડીઓની તપાસનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય GST વિભાગ કરચોરી સામે કડક કાર્યવાહી કરવા અને સરકારની આવકનું સંરક્ષણ કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સુનિશ્ચિત કરે છે.


Related Posts

Load more