પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ચાલી રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વના પ્રથમ દિવસે પીએમ મોદીએ સોમનાથમાં VVIP ગેસ્ટ હાઉસમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિર પહોંચ્યા હતા અને દિગ્વિજય દ્વાર પર સાધુ-સંતોનું અભિવાદન ઝીલ્યું હતું અને 72 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં સહભાગી થયા હતા.
ત્યારબાદ પીએમ મોદીએ સોમનાથ મહાદેવના દર્શન કરી સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય ડ્રોન-શો નિહાળ્યો હતો. ડ્રોન-શો પૂર્ણ થાય બાદ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. પ્રથમ દિવસના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ પીએમ મોદી સર્કિટ હાઉસ રવાના થયા હતા અને રાત્રિરોકાણ કર્યું હતું.
108 તાલીમબદ્ધ અશ્વો સાથે 2 કિમી લાંબી શૌર્યયાત્રા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ચાલી રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વના બીજા દિવસે પીએમ મોદી સવારે સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર પહોંચશે, જ્યાં 35 મિનિટ સુધી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે. ત્યારબાદ પીએમ મોદી શંખ સર્કલ પહોંચશે. શંખ સર્કલથી શૌર્યયાત્રામાં 2 કિમીનો રોડ શો કરીને સદભાવના ગ્રાઉન્ડ સભા સ્થળ સુધી પહોંચશે. શોર્યના પ્રતીક સમાન 108 તાલીમબદ્ધ અશ્વો સાથે યોજાનારી આ શોર્ય યાત્રા ભારતના શૌર્ય, પરંપરા અને સંસ્કૃતિનું ભવ્ય પ્રતિક બનશે જે સોમનાથના ઇતિહાસમાં એક યાદગાર અધ્યાય ઉમેરશે.
વડાપ્રધાન બપોરે સોમનાથથી રાજકોટ રવાના થશે શૌર્યયાત્રા કરીને પીએમ મોદી સદભાવના ગ્રાઉન્ડ પહોંચશે. સદભાવના ગ્રાઉન્ડ વડાપ્રધાન એક કલાક સુધી સભાને સંબોધન કરશે. ત્યારબાદ પીએમ મોદી 12:45 કલાકે સોમનાથથી રાજકોટ જવા રવાના થશે.
રાજકોટમાં મારવાડી યુનિવર્સીટી સૌરાષ્ટ્ર-કચ્છ વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ અમદાવાદ રવાના થશે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી બાયરોડ ગાંધીનગર જશે. ગાંધીનગરમાં સાંજે 5:15 વાગ્યે મહાત્મા ગાંધી મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને રાજભવનમાં રાત્રિરોકાણ કરશે.