સુરતમાં સમાજના શોષિત વંચિત અને પીડિત વર્ગની દીકરીઓના સર્વાંગી વિકાસ માટે ડોક્ટર હેગડેવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત “AM/NS Run for Girl Child” ચેરિટી રનની બીજી આવૃત્તિ આજરોજ VNSGU કેમ્પસ, સુરત ખાતે ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાઈ હતી. જેમાં ICC ચેરમેન જય શાહે પણ ઉપસ્થિત રહી દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથે 2036 ઓલમ્પિકમાં ગુજરાત લાવવાનો અને ગુજરાત 10 મેડલ લાવશે અને બે મહિલા મેડલવીર હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આપણે 2036માં ઓલિમ્પિક પણ અહીં જરૂર લાવવાનું છે’ આયોજન સ્થળ પર સવારથી જોશ, શિસ્ત અને સમાજસેવાની ભાવના જોવા મળી હતી. આ પ્રસંગે ICC ચેરમેન જય શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને દોડવીરો સાથે જ આયોજકોનો પણ ઉત્સાહ વધાર્યો હતો. જય શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન 2030માં કોમનવેલ્થ ગેમ્સ લઈ આવ્યા છે, પરંતુ આપણે કોમનવેલ્થ પર અટકવાનું નથી. આપણે 2036માં ઓલિમ્પિક પણ અહીં જરૂર લાવવાનું છે. 2024ના ઓલિમ્પિકમાં આપણે 8 મેડલ જીત્યા હતા, પરંતુ હું તમને બધાને કહેવા માગુ છું કે, 2036માં 8 મેડલથી નહીં ચાલે, આપણે ઓછામાં ઓછા 100 મેડલ જીતવાના છે. તે 100 મેડલમાંથી ઓછામાં ઓછા 10 મેડલ આપણે ગુજરાતમાંથી જીતીશું તેનો મને પાકો ભરોસો છે. એ 10 મેડલમાંથી 2 મેડલ આમાંથી જ બે મહિલા જીતશે તેનો પણ મને પાકો ભરોસો છે.
‘2023ના ODI વર્લ્ડ કપમાં આપણે દિલ જીત્યા પણ કપ ન જીતી શક્યા’ વધુમાં જણાવ્યું હતું કે, આજે હું તમને બધાને જણાવવા માંગુ છું કે ‘સંકલ્પ’ શું હોય છે. આપ સૌને યાદ હશે કે 2023ના ODI વર્લ્ડ કપમાં 10 જીત પછી આપણે દિલ જીત્યા પણ કપ ન જીતી શક્યા. તમને યાદ હશે કે રાજકોટમાં એક કાર્યક્રમમાં મેં કહ્યું હતું કે, 2024માં આપણે દિલ પણ જીતીશું, કપ પણ જીતીશું અને બાર્બાડોસમાં ઝંડો પણ ગાડીશું!
આજે જ્યાં પણ જાઉં છું બધા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના વખાણ કરે છે’ વધુમાં જણાવ્યું હતું કે, સંકલ્પ એટલી મોટી વસ્તુ છે કે એકવાર તમે સંકલ્પ કરીને ઠાણી લો, તો પછી તેને તમે મેળવી જ શકો છો, તેનો મને પાક્કો ભરોસો છે. હું 2019થી BCCIમાં છું. હું દેશમાં ફરું છું, વિદેશમાં ફરું છું. બધા લોકો 2025 મહિલા વર્લ્ડ કપની જીત પહેલા એરપોર્ટ પર જે પણ પેરેન્ટ્સ મળતા હતા, તે મને કહેતા હતા કે મારા બાળકને વિરાટ કોહલી બનાવવો છે, રોહિત શર્મા બનાવવો છે, હાર્દિક પંડ્યા બનાવવો છે. પણ 2025 પછી, વર્લ્ડ કપની જીત પછી, હું જ્યાં પણ જાઉં છું ત્યાં બધા કહે છે કે મારે મારી દીકરીને સ્મૃતિ મંધાના બનાવવી છે, હરમન પ્રીત કૌર બનાવવી છે, જેમિમાહ રોડ્રિગ્સ બનાવવી છે.
8થી 10 હજાર દોડવીરોએ ભાગ લઈ સમાજને એક સશક્ત સંદેશ આપ્યો એટલા માટે જ આજની આ ઈવેન્ટનું નામ છે ‘રન ફોર ગર્લ ચાઈલ્ડ’. તો જેમ મેં કહ્યું હતું કે 2036માં 100 મેડલનો સંકલ્પ છે અમારો. 8થી 100… 100માંથી 10 ગુજરાતના મેડલ હશે, પણ એ 10માંથી 2 મેડલ આપણી મહિલાઓ ચોક્કસ જીતશે તેનો મને પૂરો ભરોસો છે. દીકરીઓના સર્વાંગી વિકાસને સમર્પિત આ આયોજનમાં 8થી 10 હજાર દોડવીરોએ ભાગ લઈ સમાજને એક સશક્ત સંદેશ આપ્યો હતો. મેરેથોનમાં 21 કિ.મી., 10 કિ.મી., 5 કિ.મી. અને 2 કિ.મી. જેવી વિવિધ કેટેગરી રાખવામાં આવી હતી અને વિજેતાઓને કુલ મળીને રૂ. 2,20,000ના રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા.
સમગ્ર રકમ દીકરીઓના શિક્ષણ, વિકાસ અને કલ્યાણ કાર્યમાં ઉપયોગ થશે સમિતિના સહ સહયોજક શ્યામજી રાઠીએ જણાવ્યું કે, ‘AM/NS Run for Girl Child’ માત્ર દોડ નથી, પરંતુ દીકરીઓના સર્વાંગી ઉત્થાન માટેનું એક અભિયાન છે. સ્લમ વિસ્તારોમાં રહેતી શોષિત, વંચિત અને પીડિત દીકરીઓને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને સામાજિક આ પાંચ ક્ષેત્રોમાં સશક્ત બનાવવા માટે ટ્રસ્ટ સતત કાર્ય કરી રહી છે. ગયા વર્ષે જ્યાં માત્ર 7 કિશોરી વિકાસ કેન્દ્રો હતા, ત્યાં આજે 159 કેન્દ્રો કાર્યરત બન્યા છે. તે ઉપરાંત ટ્રસ્ટનો ‘જ્ઞાન મંદિર’ પ્રકલ્પ પણ 60 કેન્દ્રોથી વધીને 105 કેન્દ્રો સુધી વિસ્તર્યો છે. આ મેરેથોન દ્વારા કિશોરી વિકાસ કેન્દ્ર આવનારા વર્ષમાં 159માંથી 500 તેમજ જ્ઞાન મંદિર પ્રકલ્પ 105માંથી 300 સુધી પહોંચાડવાનો લક્ષ બનાવ્યો છે. આ ચેરિટી રનથી મળનારી સમગ્ર રકમ દીકરીઓના શિક્ષણ, વિકાસ અને કલ્યાણ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.