શું ગુજરાતના ખેડૂતો નારાજ છે? જાન્યુઆરીમાં ગાંધીનગરમાં રાજ્યવ્યાપી સંમેલન યોજાશે!

By: nationgujarat
22 Dec, 2025
Gujarat Farmers: ભારતીય કિસાન સંઘે રાજ્યમાં ખેડૂતોમાં વધી રહેલી નારાજગી મુદ્દે સરકારનું ધ્યાન દોરવા માટે 12 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે ખેડૂતોના મોટા એકત્રીકરણની જાહેરાત કરી છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે સ્પષ્ટ કહ્યું છે કે, કિસાન સંઘને સરકાર સામે કોઈ વ્યક્તિગત નારાજગી નથી, પરંતુ જમીન પર ખેડૂતો જે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે તે નારાજગી હવે દેખાઈ રહી છે.
કેમ ખેડૂતો એકઠા થશે?

આર.કે. પટેલના જણાવ્યા અનુસાર, જ્યાં જ્યાં ખેડૂતોને વારંવાર ધક્કા ખાવા પડે છે, ત્યાં તેમની વ્યથા સાંભળવી અને અવાજ બનવો એ ભારતીય કિસાન સંઘની જવાબદારી છે. સરકાર ખેડૂતોની વાત અનદેખી કરી રહી હોય એવી લાગણી ઊભી થઈ રહી છે, અને આ જ કારણસર 12 જાન્યુઆરીએ રાજ્યભરના ખેડૂતો ગાંધીનગર એકઠા થશે.
તેમણે જણાવ્યું કે, ખાતર વિતરણ મુદ્દે સરકાર દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે પૂરતું ખાતર ઉપલબ્ધ છે, પરંતુ હકીકત એ છે કે આજે પણ ખેડૂતોને ખાતર મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. ઘણી જગ્યાએ સમયસર ખાતર ન મળવાથી વાવણી અને પાક વ્યવસ્થાપન પર સીધી અસર પડી રહી છે. આ સ્થિતિ માત્ર એક જિલ્લાની નથી, પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાં આવી સમસ્યાઓ ખેડૂતો સામે આવી રહી છે.
ખેડૂતોની સમસ્યાઓ સંવાદ દ્વારા ઉકેલવી જોઈએ”

ભારતીય કિસાન સંઘના મહામંત્રીએ જણાવ્યું કે, જ્યારે પણ ખેડૂતોનો અવાજ બનવાનો સમય આવે છે, ત્યારે કિસાન સંઘ હંમેશા ખેડૂતોની સાથે ઊભું રહે છે. સંઘનું માનવું છે કે ખેડૂતોની સમસ્યાઓ સંવાદ દ્વારા ઉકેલવી જોઈએ, પરંતુ જો સંવાદ માટેના પ્રયાસો અવગણવામાં આવે તો ખેડૂતોને એકત્રિત થવું ફરજિયાત બની જાય છે.
12 જાન્યુઆરીના કાર્યક્રમ અંગે માહિતી આપતાં આર.કે. પટેલે જણાવ્યું કે આ દિવસે સમગ્ર રાજ્યમાંથી અંદાજે 1,000થી લઈને 25,000 જેટલા ખેડૂતો ગાંધીનગર પહોંચે તેવી સંભાવના છે. ખેડૂતો ખેતી સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ — ખાતર વિતરણ, ખર્ચમાં વધારો, આવકની અનિશ્ચિતતા અને વહીવટી અડચણો — અંગે પોતાની વાત રજૂ કરશે.
કિસાન સંઘના જણાવ્યા અનુસાર, આ એકત્રીકરણ કોઈ અથડામણ માટે નથી, પરંતુ ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ સરકાર સુધી પહોંચે અને નીતિગત નિર્ણયોમાં ખેડૂતોના હિતને પ્રાથમિકતા મળે તે માટેનો પ્રયાસ છે. હવે સૌની નજર 12 જાન્યુઆરી પર ટકી છે, જ્યારે ગાંધીનગરમાં ખેડૂતોની નારાજગી ખુલ્લેઆમ સામે આવવાની છે.

Related Posts

Load more