રાજકોટ: આ નરાધમે તો હદ પાર કરી! માસા કહી સંબોધતી મિત્રની સગીર છોકરી પર જ બગાડી નજર

By: nationgujarat
19 Dec, 2025
રાજકોટ: શહેરમાં સગીરા સાથે થયેલી જાતીય સતામણીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. જે કિસ્સામાં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરાને તેના પિતાના 25 વર્ષીય મિત્ર દિવ્યેશ બુસા દ્વારા વારંવાર ફોન કરીને મિત્રતા રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું. જે મામલે જુદી જુદી જગ્યાએ મળવા બોલાવી સગીરાના ફોટા પાડીને જાતીય સતામણી કરાતી હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
આ મામલે પીડિત સગીરાના પિતા દ્વારા પોતાના મિત્ર દિવ્યેશ બુસા વિરુદ્ધ બીએનએસની કલમ 75 અને 78 તેમજ પોક્સો એક્ટની કલમ 12 હેઠળ બુધવારના રોજ ગુનો નોંધાવવામાં આવ્યો છે. જે બાદ તાત્કાલિક અસરથી આરોપી દિવ્યેશ બુસાની ધરપકડ પણ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ દિવ્યેશ બુસા છેલ્લા કેટલાક સમયથી સગીરાનો મોબાઇલ ફોન પર સંપર્ક કરી રહ્યો હતો અને ફ્રેન્ડશીપ રાખવા માટે સતત દબાણ કરતો હતો.

પોલીસને આપવામાં આવેલી વિગતો મુજબ આરોપી દિવ્યેશ બુસા પીડિત સગીરાને રેસકોર્સ પાસે આવેલા ટી પોસ્ટ, બાલ ભવન સહિતના સ્થળોએ મળવા બોલાવતો હતો. એક સમયે આ સગીરા રેસકોર્સ રોડ પર આવેલી ટી પોસ્ટ ખાતે તેને મળવા પણ ગઈ હતી, ત્યારે દિવ્યેશ બુસાએ સગીરાનો ફોટો પણ પાડી લીધો હતો અને બાદમાં આ ફોટોથી તે સતત બ્લેકમેલિંગ કરતો હતો.
આ મામલે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિત સગીરા આરોપી દિવ્યેશ બુસાને માસા કહીને બોલાવતી હતી, જોકે ગત 11 ડિસેમ્બર 2025ના રોજ પરિવાર સાથે હોટલમાં જમવા ગયેલી વખતે સગીરાના ફોનમાં આરોપીનો કોલ આવતા શંકા ઉદ્ભવી હતી. પિતાએ પૂછપરછ કરતા સગીરાએ આરોપીની હેરાનગતિ અંગે સમગ્ર વિગતો ખુલાસી કરી હતી. જે બાદ પરિવારે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે.

હાલ મામલાની ગંભીરતા જોતા ભક્તિનગર પોલીસ દ્વારા ફરિયાદ નોંધાતાની સાથે જ આરોપી દિવ્યેશ બુસાની ધરપકડ કરવામાં આવી હતી. ઇન્વેસ્ટિગેશન ઓફિસર મયુરધ્વજસિંહ સરવૈયાના જણાવ્યા મુજબ ગુરુવારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જેલ હવાલે કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. આરોપી ખાનગી નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા હાલ ગુનાસંબંધી વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Posts

Load more