ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેની સગાઈને લઈને મામલો ગરમાયો છે. કિંજલ દવેના પરિવારનો પાંચ પરગડા બ્રહ્મ સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવતાં મોટો વિવાદ ઊભો થયો છે. જી હા..આ સમગ્ર મામલે કિંજલ દવેએ પોતાનું મૌન તોડી એક વીડિયો જાહેર કર્યો હતો, જેના પગલે સમાજના આગેવાનો તરફથી પ્રતિક્રિયાઓ આવવાની શરૂઆત થઈ છે.
પાંચ પરગડા સમાજ દ્વારા કિંજલ દવેના પરિવારનો બહિષ્કારનો નિર્ણય લેવાયા બાદ કિંજલ દવેએ એક વીડિયો સંદેશ દ્વારા પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જોકે, આ વીડિયોમાં કરવામાં આવેલા નિવેદનો બાદ બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. હેમાંગ રાવલે સમાજ દ્વારા લેવાયેલા બહિષ્કારના નિર્ણયને ખુલ્લું સમર્થન પુરું પાડ્યું છે.
બહિષ્કાર યોગ્ય છે, કિંજલને પૈસાનું અભિમાન આવ્યું છે’: હેમાંગ રાવલ
બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કરવાનો નિર્ણય સંપૂર્ણપણે યોગ્ય છે. તેમણે કિંજલ દવેના વીડિયોનો વિરોધ કરતાં ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કિંજલ દવેને પૈસાનું અભિમાન આવ્યું છે. સમાજે જે નિર્ણય લીધો છે તે બરાબર છે. સમાજે તેમના નિયમને લઈને જ બહિષ્કાર કર્યો છે. કિંજલ એક નામચીન વ્યક્તિ છે, અને જ્યારે આવી વ્યક્તિ સમાજના બંધારણનું ઉલ્લંઘન કરે, ત્યારે સમાજમાં ખોટો મેસેજ જાય તેનો વિરોધ છે.
તેમણે ઉમેર્યું હતું કે, કિંજલ દવે જો બાળ લગ્ન સમાજમાં થતા હોય તો જણાવે, સમાજ તેની સામે પગલાં લેશે. તેમને ખોટી વાતો ન કરવી જોઈએ.” હેમાંગ રાવલે વધુમાં જણાવ્યું કે સમાજે કિંજલ દવેને અગાઉના દરેક વિવાદો અને દરેક રીતે સ્વીકાર્યા છે. જોકે, આ વખતે સમાજના બંધારણનું ઉલ્લંઘન થયું છે, જેનો વિરોધ અનિવાર્ય છે. હેમાંગ રાવલે ચેતવણી આપી છે કે જો જરૂર પડશે તો બ્રહ્મ સમાજ દ્વારા કાયદાકીય લડત પણ આપવામાં આવશે.
જાણો શું છે સમગ્ર વિવાદ?
પાંચ પરગડા બ્રહ્મ સમાજના નિયમો અનુસાર, સગાઈ કે લગ્ન પહેલાં યુવક-યુવતીને જન્મના આધારે બ્રહ્મ સમાજના ગોળમાં મુકવામાં આવે છે. સમાજનું કહેવું છે કે કિંજલ દવે અને તેના પરિવારે આ નિયમનું પાલન કર્યું નથી અને સીધી સગાઈની જાહેરાત કરી દીધી હતી, જેના કારણે સમાજે નારાજગી વ્યક્ત કરી હતી અને અંતે પરિવારનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો.