તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે’,ભાજપના મહિલા MLA સામે સ્થાનિકોમાં રોષ,

By: Nation Gujarat Team
09 Dec, 2025

અમદાવાદના ભાજપના વધુ એક મહિલા ધારાસભ્ય પર સ્તાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયા વિરૂદ્ધ સ્થાનિક લોકો દ્વારા હાય હાયના નારા લગાવવામાં આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. રોડ, ડ્રેનેજ લાઈન અને વરસાદી પાણીની લાઈન નાખવા મુદ્દે સ્થાનિક લોકો દ્વારા એકત્રિત થઈને હોબાળો કરી હાય હાયના નારા લગાવ્યા હતા. વીડિયોમાં સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્ય કંચનબેન રાદડિયા સહિત ભાજપના કોર્પોરેટરો વિસ્તારમાં દેખાતા નથી.

વર્ષો જૂની ગટર લાઈન હોવા છતાં પણ નવી નાખવામાં આવતી નથી. જો સમસ્યાનું તાત્કાલિક નિવારણ નહીં આવે તો બે મહિનામાં અમે ચૂંટણીમાં જવાબ આપીશું એવી ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે ધારાસભ્ય કંચનબેન રાદડિયાએ કહ્યું હતું કે, લોકો જે પ્રમાણે ગટર લાઈન નાખવા માટેની રજૂઆત કરી છે તે પ્રમાણે જ અમે લાઈન નાખી આપીશું.

ધારાસભ્યને રજૂઆત કરીએ છીએ છતાં કામ થતાં નથી’ શહેરમાં સ્થાનિક પ્રશ્નોને લઈને અવારનવાર ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરોને રોષનો ભોગ બનવું પડતું હોય છે, ત્યારે અમદાવાદના ઠક્કરબાપાનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટર કંચનબેન રાદડિયાને ઠક્કરબાપાનગર વિસ્તારના સ્થાનિક લોકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં ઠક્કરબાપાનગર રોડ પર આવેલા વૃંદાવન પાર્ક સોસાયટી નજીક એક ડ્રેનેજ લાઈન નાખવા, વરસાદી પાણીની લાઈન અને રોડ બનાવવા મુદ્દે સ્થાનિક લોકો ભેગા થયા હતા. સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ધારાસભ્ય કંચનબેન રાદડિયાને રજૂઆત કરીએ છીએ છતાં કામ થતાં નથી.

‘તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છીએ’ સિનિયર સિટીઝન દ્વારા આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કંચનબેનના પતિને રજૂઆત કરીએ છીએ તો તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે જવાનું કહે છે. જો કોર્પોરેશન ઓફિસ જવાનું હોય તો તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે. હું સિનિયર સિટીઝન થઈને કોર્પોરેશન ઓફિસ સુધી જાવ એવા પણ પ્રશ્નો કર્યા હતા. સ્થાનિક લોકોએ માગ કરી હતી કે જે ગટર લાઈન 30 વર્ષ જૂની છે તે ગટર લાઈનને હવે મોટી નાખવામાં આવે. જેથી ડ્રેનેજની સમસ્યા દૂર થાય. વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટેની લાઇન નાખી અને બાદમાં જ રોડ બનાવવામાં આવે. જે પાણીની લાઈન નાખવામાં આવે છે તેની પહેલા ગટરની લાઈન નાખવામાં આવે ને તેનું જોડાણ કરવામાં આવે પછી જ આ વરસાદી પાણીની લાઈન નાખવામાં આવે તેવી માંગણી કરી હતી. જોકે આજ દિન સુધી આ કામગીરી થઈ નથી.

સમસ્યાનું નિવારણ નહીં આવે તો બે મહિનામાં ચૂંટણીમાં જવાબ આપીશું ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યને અમે રજૂઆત કરીએ છીએ અને લેટર લખીને આપે છે છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. ચોમાસામાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી. બસ તેઓ ઘરમાં સૂઈ રહેતા હોય છે. જો તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો અમે બે મહિનામાં ચૂંટણીમાં જવાબ આપીશું એવી પણ ચીમકી સ્થાનિક લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

RCC રોડ છે તેમાં પણ ગુંડાગીરી કરી હવે ડામર ચોપડી દેવાયો વર્ષો જૂની ગટર લાઈન છે તે ગટર લાઈન મોટી નાખવાની હોય છે. હવે રોડ બનાવવામાં આવી રહ્યો છે જે આરસીસી રોડ છે તેમાં પણ ગુંડાગીરી કરી અને હવે ડામર ચોપડી દેવામાં આવ્યો છે. જે રોડ બનાવે છે એ પણ અડધો બનાવવામાં આવ્યો છે. બાકી કોઈ રાજકારણીની તાકાત નથી કે અહીંયા આવીને તપાસ કરે. કેમ અહીંયા તપાસ કરવા આવતા નથી.

બે કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું પણ ક્યાં ગયું ખબર નથી અમે ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયાને 25 વખત મળ્યા અને રજૂઆત કરી તો તેઓ કહે છે અમે મોકલીશું… અમે મોકલીશું… પણ ક્યારે મોકલશે ખબર નથી. ગટર ઉભરાવાની સમસ્યા તો કાયમની બની ગઈ છે. વૃંદાવન પાર્ક સોસાયટી પાસે સમસ્યા જ છે. વિક્રમ પાર્કમાં રોડ છ મહિનામાં રોડ પણ બની જાય છે. કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે ક્યાં જાય છે ખબર નથી. બે કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છતાં ક્યાં ગયું ખબર નથી.

સ્થાનિકોની રજૂઆત પ્રમાણે જ ગટર લાઈન નાખી આપીશું: ધારાસભ્ય ઠક્કરબાપાનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયાએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકો મને રજૂઆત કરવા આવ્યા હતા, ત્યારે જ મેં તેમને કહ્યું હતું કે, તમે કહેશો એવી જ લાઈન નાખવામાં આવશે અને અત્યારે હાલમાં જે લાઈન નાખવામાં આવી રહી છે તે મોટી જ નાખવામાં આવી રહી છે.

ડ્રેનેજ લાઈનમાં આગળ જે ચેમ્બર સુધી જાય છે ત્યાંથી પાણીનો નિકાલ ઝડપી થતો નથી જેથી સીસીટીવી કેમેરા મારફતે પણ છેલ્લા બે દિવસથી આ કામગીરી ચાલી રહી છે. સ્થાનિક લોકો જે પ્રમાણે ગટર લાઈન નાખવા માટેની રજૂઆત કરી છે તે પ્રમાણે જ અમે ગટર લાઈન નાખી આપીશું.

તેમની માગ પૂર કરવા જણાવતા તેઓને સંતોષ થયો હતો: પૂર્વ મેયર ઠક્કરબાપાનગર વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકો ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવા માટે ગયા હતા અને તેઓ દ્વારા ત્યાં રજૂઆત કરવામાં આવી હતી. જેથી તેમની માગ પૂરી કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને તેઓને સંતોષ થયો હતો.


Related Posts

Load more