‘લાલો’ શૂટ થયું એ ઘરના માલિકની વ્યથા કે, ‘100 કરોડની કમાણી કરી પણ અમને કંઈ ન આપ્યું,

By: Nation Gujarat Team
03 Dec, 2025

ગત 10 ઑક્ટોબરના રોજ રીલિઝ થયેલી લાલો ફિલ્મથી ગુજરાતી સિનેમામાં એક નવો માઇલસ્ટોન સ્થાપાયો છે. જેમાં બોલિવૂડમાં ‘શોલે’ ગણાય છે એજ રીતે ‘લાલો’ આપણી ‘શોલે’ છે. ધીમી શરૂઆત પણ પછી પવનવેગે ફિલ્મનું કલેક્શન વધ્યું અને લોકોના દિલમાં સ્થાન જમાવી લીધું અને સૌ કોઈ પરિવાર સાથે સિનેમાઘરોમાં ભીડ જમાવવા લાગ્યા. 54 દિવસથી હજુ પણ ફિલ્મ હાઉસફુલ જઈ રહી છે. 100 કરોડની કમાણી કરી ગુજરાતી સિનેમાની હાઇએસ્ટ ગ્રોસર ફિલ્મ બની ગઈ છે.

મોટા ભાગના લોકો આ ફિલ્મ જોઈ ચૂક્યા છે અને પાત્ર સાથે તેમનું સીધું જોડાણ થઈ ગયું છે. ફિલ્મમાં લાલો(કરણ જોશી) અને તુલસી(રીવા રાચ્છ) તેની દીકરી ખુશી(મિષ્ટી કડેચા) સાથે જે ઘરમાં રહેતા તે ઘર જુનાગઢના ઉપરકોટ રોડ નજીક ફુલ્યા હનુમાન મંદિર સામે આવેલી એક સાવ સાદી ‘વાણંદ ડેલી’માં આવેલું છે. હાલ આ ઘર ‘લાલાની ડેલી’ તરીકે પ્રખ્યાત બન્યું છે. પરંતુ આ ઘર જેની માલિકીનું છે તેને ભાગ્યે જ કોઈ ઓળખતું હશે.

જો કે ફિલ્મે તો કમાણીના તમામ રેકોર્ડ્સ બ્રેક કરી દીધા છે અને દેશભરના ફિલ્મ એક્સપર્ટ્સમાં તે ચર્ચાનો વિષય બની ચૂકી છે. પરંતુ જે ઘરમાં શૂટિંગ થયું તેના માલિકની સ્થિતિ ખૂબ જ દારૂણ છે. દિવ્ય ભાસ્કર તેમની સ્થિતિ અંગે જાણવા તેમના એ ઘર પર પહોંચ્યું હતું. જ્યાં આ મકાનના માલિક વૃદ્ધ મહિલા ભાવનાબેન વાજાએ આંખમાં આંસુ સાથે વેદના વ્યક્ત કરી હતી.

દીકરો મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે વાણંદ ડેલીમાં રહેતા વૃદ્ધ મહિલા ભાવનાબેન વાજા હાલમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે; તેમને પેરાલિસિસનો એટેક આવેલો છે અને તેમના બ્રેઇનની સર્જરી પણ કરાવેલી છે. આ નબળી આર્થિક અને શારીરિક સ્થિતિ ખૂબ ખરાબ છે. તેઓ તેમના પતિ અને 23 વર્ષના દીકરા સાથે રહે છે. તેમનો દીકરો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે

બે દિવસનું કહી 15 દિવસ શૂટિંગ કર્યું જ્યારે આ ફિલ્મનું શૂટિંગ નક્કી થયું, ત્યારે નજીકમાં રહેતા એક ભાઈ દ્વારા ફિલ્મની ટીમના કોઈ વ્યક્તિને લઈ મકાન માલિકને મળવા આવ્યા હતા. તે સમયે પરિવારને માત્ર બે દિવસ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ઘરમાં કરવાની વાત કરવામાં આવી હતી. પરંતુ, બે દિવસના બદલે આ ફિલ્મનું શૂટિંગ પંદર દિવસ સુધી ચાલ્યું હતું. આટલું લાંબુ શૂટિંગ ચાલ્યું અને ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુની જંગી કમાણી કરી હોવા છતાં, મકાન માલિક પરિવારને હજુ સુધી એક રૂપિયો પણ ચૂકવવામાં આવ્યો નથી.

એક વખત ફોન કરવાની પણ તસ્દી લીધી નથી’ આ અંગે ભાવનાબેન વાજાએ દિવ્ય ભાસ્કરને ભારે હૃદયે જણાવ્યું કે શૂટિંગ દરમિયાન તેમને અને તેમના પરિવારને ઘણી મુશ્કેલીઓ પડતી હતી, જે તેમણે માનવતાના ધોરણે સહન કરી લીધી હતી. તે સમયે ફિલ્મમાં હીરો-હિરોઈન સહિત અન્ય લોકો તેમને ‘માસી’ કહીને બોલાવતા હતા અને કહેતા હતા કે, માસી દુઆ કરો, અમારી ફિલ્મ સારી જાય અને બધાને ખૂબ પસંદ આવે.આટલી દુઆઓ આપ્યા છતાં અને ફિલ્મે કરોડો રૂપિયા કમાયા બાદ, ફિલ્મની ટીમ જુનાગઢમાં ફરી આવી હતી, પરંતુ તેમણે આ વૃદ્ધ મહિલાના ઘરની મુલાકાત લેવાની કે તેમને એક વખત ફોન કરવાની પણ તસ્દી લીધી નથી.

100 કરોડની કમાણી કરી છતાં કંઈ ન આપ્યું’ ભાવનાબેને દુઃખ વ્યક્ત કર્યું કે, 100 કરોડની કમાણી કરી છતાં કંઈ ન આપ્યું. તેણે અમને કંઈક સામેથી દેવું જોઇએ. હાલ સમય ગરજનો છે, કામ પતી જાય એટલે વાત પૂરી. અમારી સાથે પણ એવું જ થયું છે. ફિલ્મ શૂટિંગ કર્યુ ત્યારે માસી માસી કરતા હતા હવે સામે પણ નથી જોતા. મારે તો મકાન વેચી દેવુ છે. થોડું ઉતારવાનું કહીને 15 દિવસ કાઢ્યા હતા. ફિલ્મમાં લાલોનું પાત્ર કરનારો એક્ટર દારુ પીને ફળિયામાં સૂતો હતો. અહીં જ કંકુ પગલા કરાવ્યા હતા.

ભાડુઆત પરસોત્તમભાઈએ જણાવ્યું કે આ ગરીબ વાણંદ પરિવાર મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. વૃદ્ધ મહિલા ભાવનાબેનની પેરાલિસિસ અને મગજની સર્જરી બાદની ગંભીર હાલત હોવા છતાં, ફિલ્મના સર્જકોએ કોઈ મદદ ન કરતા, હાલમાં મકાન માલિકે આ મકાન વેચવા માટે કાઢ્યું છે.


Related Posts

Load more