ગત 7 નવેમ્બર, 2025ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાની માટે 10 હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી હતી. આ સહાય પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22000 ચૂકવાશે, એમાં 16500 ગામના ખેડૂતોને લાભ મળશે.
આ સહાય પેકેજનો લાભ આપવા 14મી નવેમ્બર (શુક્રવાર)ના રોજ બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી https://krp.gujarat.gov.in પોર્ટલ પર ખેડૂતોની અરજી સ્વીકારવામાં આવી રહી હતી. જોકે, રાજ્ય સરકાર દ્વારા અરજીની સમયમર્યાદામાં 7 દિવસનો વધારો કરાવમાં આવ્યો છે. જેથી ખેડૂતો હવે 5 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
કોઈપણ ખેડૂત સહાયથી વંચિત ન રહે માટે સમયમર્યાદા વધારી: જીતુ વાઘાણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તથા ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યનો કોઈપણ નુકસાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા સમયમર્યાદા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના તમામ નુકસાનગ્રસ્ત ખેડૂતોને અપીલ કરી છે કે, જેઓએ હજુ સુધી અરજી કરી નથી તેઓ આવતા 7 દિવસમાં અવશ્ય અરજી કરે અને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ મેળવે.
બન્ને પેકેજ મળીને હવે 11,137 કરોડની સહાય મુખ્યમંત્રીએ આ ઉપરાંત બનાસકાંઠાના વાવ-થરાદ સહિત પાંચ જિલ્લાઓમાં અગાઉ થયેલા કમોસમી વરસાદના અસરગ્રસ્તોને પણ પિયત-બિનપિયત સમાન ધોરણે 22 હજાર પ્રતિ હેક્ટર બે હેક્ટરની મર્યાદામાં સહાય જાહેર કરી હતી. આ પેકેજ 947 કરોડનું હતું અને તેમાં 12 નવેમ્બરના રોજ 190 કરોડનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે સમગ્ર રાજ્ય માટે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. આમ રાજ્યના ખેડૂતો પર આવી પડેલી આફતમાં 11 હજાર 137 કરોડનું રાહત સહાય પેકેજ આપવાનો નિર્ણય કરાયો.
2020 અને 2024 કરતાં આ વખતે સ્થિતિ વધારે ખરાબ 2020માં કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન પેટે એ સમયે સરકારે 3795 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ અગાઉ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવેલા ભારે વરસાદને કારણે પણ પાકને નુકસાન થતાં સરકારે ખેડૂતો માટે 947 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું, જોકે એ વખતે પંચમહાલ, કચ્છ, વાવ-થરાદ, પાટણ અને જૂનાગઢ એમ માત્ર 5 જ જિલ્લાના માત્ર 18 તાલુકાનો જ સમાવેશ કર્યો હતો. એ અગાઉ પણ ગત વર્ષે ઓક્ટોબર-2024માં કમોસમી વરસાદથી 20 જિલ્લાના 136 તાલુકાનાં 6112 ગામમાં પાકને નુકસાન થયું હતું, જેને કારણે સરકારે 1462 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જો કે 7 નવેમ્બર, 2025ના રોજ 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું.