જૂનાગઢમાં ‘ટેરેસ ગાર્ડનિંગ’નો ટ્રેન્ડ વધ્યો:રાસાયણિક ખોરાકથી ત્રસ્ત લોકોએ છત પર ઓર્ગેનિક ગાર્ડનિંગ શરૂ કર્યું,

By: Nation Gujarat Team
23 Nov, 2025

ભારતભરમાં દિવસેને દિવસે રાસાયણિક ખાતર અને દવાના બેફામ છંટકાવથી તૈયાર થતા શાકભાજી અને ફળોના કારણે લોકોમાં અવ-નવી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. કેન્સર જેવા ભયંકર રોગોથી લઈને પેટ અને ચામડીના અનેક રોગો થવાની શક્યતાઓ વધી રહી છે. જેના કારણે અનેક પરિવારો આર્થિક અને માનસિક આકુળતા અનુભવી રહ્યા છે. રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા ખોરાકમાં હવે આમૂલ બદલાવ કરવો ખૂબ જરૂરી બન્યો છે, ત્યારે જૂનાગઢ સહિતના શહેરી વિસ્તારોમાં લોકો બજારમાં મળતા રાસાયણિક ઉત્પાદનો કરતાં પોતાના જ ઘરમાં ઓર્ગેનિક (જૈવિક) પદ્ધતિથી ગાર્ડનમાં તૈયાર કરેલા શાકભાજી અને ફળો ખાવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

જૂનાગઢના નીતાબેન શાહનું ઓર્ગેનિક ટેરેસ ગાર્ડન આ બદલાવના ભાગરૂપે, જૂનાગઢના પ્રાધ્યાપક નીતાબેન શાહે પોતાના ઘરની છત પર જ સુંદર ઓર્ગેનિક ગાર્ડનિંગની શરૂઆત કરી છે. તેમણે ઘરની છત પર લીંબુ, બોર જેવા ફળો ઉપરાંત રીંગણ, ગુવાર, કારેલા, ટમેટા, મરચા અને અન્ય શાકભાજી વાવીને ગુણવત્તાયુક્ત અને તાજા શાકભાજી મેળવી રહ્યા છે.

ઓછા સભ્યોવાળા પરિવારો માટે ટેરેસ ગાર્ડનિંગ સહેલું પોતાના આ અભિયાન વિશે વાત કરતા પ્રાધ્યાપક નીતાબેન શાહે જણાવ્યું હતું કે, હાલના વાતાવરણમાં જે પ્રમાણે પ્રદૂષણ જોવા મળે છે અને લોકો ઓર્ગેનિક ફાર્મિંગની વાતો કરે છે, પરંતુ બજારમાં મળતું શાકભાજી કેટલું ઓર્ગેનિક છે તે પ્રશ્ન છે. ખેડૂતોની પણ એક મજબૂરી છે કે કમાણીના ઉદ્દેશ્યથી રાસાયણિક દવા અને ખાતર સિવાય કોઈ મોટો પાક પોતાના ખેતરમાં લઈ શકતા નથી. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રાખવા અને રોજિંદી જિંદગીમાં કોઈ રોગ શરીરમાં પ્રવેશે નહીં તે માટે લોકોએ જ પોતાના ઘરની છત પર ઓર્ગેનિક શાકભાજી અને ફ્રૂટ વાવવું જરૂરી છે. જો કોઈ સિઝનમાં જંતુઓ આવતા હોય તો એક જ વખત રાસાયણિક દવાનો છંટકાવ કરવાથી આખું વર્ષ પાક સુરક્ષિત રહે છે. જ્યારે મોટા ખેતરોમાં પાક બચાવવા ખેડૂતો નાછૂટકે વધુ રસાયણનો ઉપયોગ કરે છે, તે સમસ્યા અહીં રહેતી નથી.

‘ફળો વાવ્યાને દોઢ વર્ષ થયું છતાં હજુ સારા ફળો આવે છે’ નીતાબેને ફળોના વાવેતર અંગે કહ્યું કે, ઘરમાં એકથી બે સભ્યો હોય ત્યારે જરૂરિયાત મુજબના ફ્રૂટ છત પર વાવેલા ઝાડમાંથી લઈ શકાય છે. બહારથી ખરીદેલું ફ્રૂટ ઘણીવાર જરૂરિયાત કરતા વધારે ખરીદવું પડે છે અને એક-બે નંગ ખરાબ થઈ જાય છે. મેં અહીં બોર તેમજ અન્ય ફળો વાવ્યાને એકથી દોઢ વર્ષ થયું છે છતાં તેમાં સારા અને ગુણવત્તાવાળા ફળ આવે છે. નીતાબેનના મતે, ઓર્ગેનિક ગાર્ડનિંગથી બહેનો આસાનીથી આ પ્રવૃત્તિ કરી શકે છે, બાળકોને નાનપણથી જ ફાયદા સમજાવી શકાય છે, અને વૈજ્ઞાનિકોએ સાબિત કરેલી વાત મુજબ, આ પદ્ધતિથી માનસિક તણાવ પણ ઓછો થાય છે અને ઘરમાં થતા નાના-મોટા ઝઘડાઓને ઓર્ગેનિક ગાર્ડનિંગના કામમાં સમય વિતાવવાથી ભૂલી શકાય છે.

રાસાયણિક દવાઓના જોખમ પર કૃષિ નિષ્ણાતનો મત જૂનાગઢની આસપાસ ખેડૂતો જે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરે છે, તેના ગંભીર પરિણામો પર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કીટક શાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો. ધર્મરાજસિંહ જેઠવાએ જણાવ્યું કે ખેડૂતોએ રાસાયણિક દવા શાકભાજીમાં વાપરવી હાનિકારક છે. ઘણી વખત ખેડૂતો આડેધડ રાસાયણિક દવાઓનો ઉપયોગ કરે તેના લીધે નુકસાન થાય છે. ખેડૂતો દવા ખરીદે છે તેમાં લીલું, લાલ કે પીળું લેબલ દર્શાવેલું હોય છે, પરંતુ કઈ દવા શેના માટે છે તેની જાણકારી વગર સીધા એગ્રો વાળા પાસેથી દવા લે છે.

શહેરીજનો માટે ટેરેસ ગાર્ડનિંગ એક ઉત્તમ વિકલ્પ ડો. જેઠવાએ શહેરોમાં વસતા લોકોને ટેરેસ ગાર્ડનિંગ કરવા પર ભાર મૂકતા જણાવ્યું કે, શહેરોમાં વસતા લોકોને ખાસ પોતાના ઘરની છત પર ટેરેસ ગાર્ડન બનાવવા જોઈએ. આમાં જૈવિક દવાઓનો ઉપયોગ કરીને શાકભાજી વાવવી ખૂબ યોગ્ય પદ્ધતિ છે, ખાસ કરીને વેલા વાળી શાકભાજી આસાનીથી મેળવી શકાય છે. નાના પરિવારના સભ્યોમાં આ પ્રકારનું ઓર્ગેનિક ગાર્ડનિંગ કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને ગુણવત્તા યુક્ત શાકભાજી મળી રહે છે.


Related Posts

Load more