હાલમાં દિવાળીના સમય બાદ (ઓક્ટોબરમાં) અચાનક પડેલા અણધાર્યા વરસાદે રાજ્યભરમાં ખેતી પાક પર પાણી ફેરવી વાળ્યું છે અને ખેડૂતોને પાયમાલ બનાવી દીધા છે, ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો પર રાહતનો વરસાદ વરસાવીને અધધ 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરી છે. માહિતી મુજબ ખેડૂતો માટે પાક નુકસાની અંગેનું ગુજરાત સરકારનું આ સહાય પેકેજ સૌથી મોટું અને ઐતિહાસિક મનાઈ રહ્યું છે, ત્યારે સરકારના આ નિર્ણય અંગે ખેડૂતો અને અન્ય રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ સામે આવી છે, જેમાં ઘણી બધી જગ્યાએ ખેડૂતોએ સરકારના આ નિર્ણયને ખુશીખુશી આવકાર્યો છે, તો કેટલીક જગ્યાએ વિરોધના વંટોળ સાથે સાથે અન્ય માંગણીઓ પણ ઉઠવા પામી છે.હાલમાં પડેલા કમોસમી વરસાદથી રાજ્યભરમાં ખેતી પાકને ભારે ભરખમ નુકસાન થયા બાદ ખેડૂતોની વ્યથા જાણીને ગુજરાત સરકારે 10000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. CM ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પહેલા ટ્વીટર) પર આ માહિતી શેર કર્યા બાદ મોડી સાંજે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે વિગતવાર માહિતી આપી હતી. જે મુજબ દરેક ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ.22000ની રાહત મળશે. આટલું જ નહીં આવતીકાલથી 15000 કરોડ રૂપિયાની મર્યાદામાં તમામ ખેતી પાકોની ટેકાના ભાવે ખરીદી પણ શરૂ થશે. ત્યારે સરકારના ગઈકાલના આ નિર્ણય બાદ હાલ રાજ્યભરના ખેડૂતોની પ્રતિક્રિયા સામે આવી રહી છે.
રાજ્ય સરકારની ઐતિહાસિક સહાયની જાહેરાત બાદ ખેડૂતો શું કહી રહ્યા છે એ જાણવા News 18 ગીર સોમનાથના કડોદરા ગામે પહોંચ્યું હતું. અમે ગીર સોમનાથના કડોદરા ગામના ખેડૂતો સાથે આ સહાય બાબતે વાત કરી હતી. જેમાં ગામના ખેડૂતોનું કહેવું છે કે, 10 હજાર કરોડની સહાય કરી છે પણ ખેડૂતોને શું મળશે, માત્ર એક વિઘે 5 હજાર! આમ સહાયને લઈને કડોદરા ગામે ખેડૂતો નાખુશ હોવાનું જણાવી રહ્યા છે અને સરકાર પાસે કરજ માફીની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, જે પ્રમાણે નુકસાન થયું છે તે પ્રમાણે સહાય ન મળી. આશા મોટી હતી, પણ હવે શું કરવું?સરકારના આ નિર્ણયને રાજ્યમાં કેટલીક ખેડૂતોએ રાજીખુશીથી વધાવી લીધો છે, તો ક્યાંક વિરોધ અને અન્ય માંગણીનો વંટોળ પણ ઉઠ્યો છે. સૌપ્રથમ વાત કરીએ તો, દેવભૂમિ દ્વારકામાં સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ મુદ્દે ખેડૂતોની પ્રતિક્રિયા સામે આવી છે. દ્વારકા જિલ્લાના ખેડૂતોએ કૃષિ સહાય પેકેજને આવકાર્યું છે અને વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી છે. હાલ શિયાળુ પિયત કરવામાં ખેડૂતોને ખાતર બિયારણની જરૂર હોય તાત્કાલિક સહાય ચૂકવવા તેમ ખેડૂતોની માગ હાલ જોવા મળી રહી છેઆ તરફ, રાજકોટના જેતપુરમાં રાજ્ય સરકારના દસ હજાર કરોડના સહાય પેકેજ સામે કેટલાક ખેડૂતોમાં ભારે નારાજગી છે. ખેડૂતોનું કહેવું છે કે, આ પેકેજ લોલીપોપ સમાન છે. પાક તૈયાર થયા બાદ વરસાદથી ભારે નુકસાન થયું છે અને વીઘે દીઠ 20 હજારનો ખર્ચ થયો છે, ત્યારે આ સહાય પૂરતી ન હોવાનો ખેડૂતોએ દેવું માફ કરવાની માગ પણ કરી છે. આમ સરકારના આ ઐતિહાસિક પેકેજને લઈને કેટલાક ખેડૂતોમાં નારાજગી છે. જ્યારે કેટલાક ખેડૂતોએ પેકેજને વધાવ્યું પણ છે.
અરવલ્લી જિલ્લામાં પણ પાક નુકસાની સહાય જાહેર થયા બાદ પાક વીમાને લઈને માંગ ઉઠી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે, પાક વીમા યોજના સુધારણા સાથે અમલમાં આવે તો ખેડૂતોને ખરેખર લાભ મળી શકે. ઘણા ખેડૂતોનો મત છે કે, અકસ્માત અને જીવન વીમાની જેમ પાક વીમો પણ જરૂરિયાત સમયે મદદરૂપ સાબિત થઈ શકે. વર્ષ દરમિયાન માવઠાની સ્થિતિ અને અણધારી આફતોને કારણે પાકને ભારે નુકસાન થતું હોવાથી પાક વીમાને વધુ અસરકારક અને સરળ બનાવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.આ તરફ ભાવનગર જિલ્લાનાં ખેડૂતોએ પણ આ મહત્વપૂર્ણ બાબતે પોતાનો મત રજૂ કર્યો છે. ભાવનગરના ખેડૂતોનું કહેવું છે કે, કમોસમી વરસાદમાં પાકને 100% નુકસાન થયું છે, જેથી રાહત પેકેજમાં સરકાર જે ચૂકવણું કરે તે નુકશાનીનાં પ્રમાણમાં પૂરતું હોય તો બરાબર, નહીંતર ખેડૂતોની દિવાળી તો બગડી છે પણ આવનાર વર્ષ પણ બગડેલું છે.
નોંધનીય છે કે, આ વર્ષે જે વરસાદ નથી પડ્યો છે, એવો વરસાદ છેલ્લા 24 વર્ષમાં ક્યારેય પડ્યો નથી. ત્યારે સરકારી આંકડા મુજબ કમોસમી વરસાદને લીધે ગુજરાતમાં 265 તાલુકાના 16000 ગામડાઓમાં 44 લાખ હેક્ટરમાં વાવેલા તૈયાર પાકોને નુકસાની થઈ છે, જેની સામે 10000 કરોડ રૂપિયાની સહાય સામે 54 લાખ ખેડૂતોનો હિસાબ કરો, ત્યારે 2200 રૂપિયા ભાગમાં આવે છે. જેની સામે ખેડૂતોનો ખર્ચ વીઘે દીઠ વીસ હજાર રૂપિયા થયો છે. માટે ગુજરાત સરકારે જાહેર કરેલી આ દસ હજાર કરોડની સહાયને ખેડૂતો ક્રૂર મજાક જણાવી રહ્યા છે.ખેડૂતોનું કહેવું છે કે, સરકારની આ સહાય પેકેજ એ ખેડૂતો માટે માત્ર લોલીપોપ સમાન છે, ખેડૂતોને મામૂલી સહાય આપી સરકાર અમારી સાથે મજાક ઉડાવી રહી છે. ત્યારે સરકારે આ સહાય સાથે સાથે ખેડૂતોના દેવા નાબૂદ કરે તેવી માંગ હાલ ઉઠવા પામી છે, ખેડૂતોનું કહેવું છે કે, સરકારે ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયા માફ કરી દે છે તો ખેડૂતોના કેમ નહીં? અંતે ગુજરાતમાં પાક કિસાન યોજના, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ નથી એ બાબતે પણ ખેડૂતો નાખુશ દેખાઈ રહ્યા છે, ત્યારે સરકાર ટેકાના ભાવે ખરીદી નહીં પરંતુ એમએસપી આપો પૂરતા ભાવ આપે તેવી માંગ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ પ્રતિક્રિયા આપી છે. અમિત ચાવડાએ સરકારને હાકલ કરતાં કહ્યું કે, વાસ્તવિક રાહત આપવી હોય તો ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો અને પાક વીમો યોજના લાગુ કરો, હવે આગામી સમયમાં આ મામલે શું નિર્ણય આવશે? એ જોવાનું રહ્યું.