Heavy Rain in Amreli : ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં અમરેલીના રાજુલામાં પડેલા 6 ઈંચ વરસાદના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે અમરેલીના ધાતરવાડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેથી અનેક ગામો સંપર્કવિહોણા બન્યા હતા. આ પૂરના પાણી વચ્ચે એક મહિલાને પ્રસવ પીડા ઉપડતા તેમને હોસ્પિટલ લઈ જવું અઘરૂ પડ્યું હતું. કોઈ વાહન ન મળતા અંતે જીસીબીનો સહારો લઈ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ સિવાય 50 જેટલા ખેત મજૂરો ફસાયાના પણ સમાચાર સામે આવ્યા હતા.મળતી માહિતી મુજબ, ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે કોઈ વાહન નીકળવું અઘરૂ હતું. આ દરમિયાન રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં સમઢીયાળા બંધારામાં પાણીનું સ્તર વધતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. આ જ રસ્તે એક સગર્ભા મહિલાને પ્રસવ પીડા ઉપડતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. પૂરના પાણી વચ્ચે મહિલાને બહાર કાઢવા માટે સ્થાનિકોને જેસીબીની મદદ લેવી પડી હતી. જેસીબીની મદદથી મહિલાને સલામત રૂપે હોસ્પિટલ ખસેડવામાં આવી અને તેની ડિલિવરી શક્ય બની.
હીરા સોલંકીએ કેડસમા પાણીમાં કરી ખેડૂતોની મદદ
બીજી બાજું અમરેલીના ધાતરવાડી નદીમાં આવેલા પૂરના કારણે ઉંચેયા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. અહીં ખેતરોમાં પાણી ફરી વળતા અંદાજે 50 જેટલા ખેતમજૂરો વાડીમાં ફસાયા હતા. ઘટનાની જાણ થતા ધારાસભ્ય હીરા સોલંકી પોતે કેડસમા પાણીમાં ચાલીને પીપાવાવ મરીન પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી. સમયસર તાત્કાલિક મદદ મળવાના કારણે 50 જેટલા લોકોનું સફળ રેસ્ક્યુ કરી શકાયું અને તમામને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. ધારાસભ્યની સમયસૂચકતા અને વહીવટી તંત્રની મદદથી મોટી જાનહાનિ થતા ટળી હતી.