રાજ્યનું પ્રથમ ‘મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી’: 12 માળના પોલીસ સ્ટે.નું 20 કરોડના ખર્ચે નિર્માણ

By: Nation Gujarat Team
24 Oct, 2025

ગુજરાત રાજ્યનું સૌપ્રથમ 12 માળનું હાઈરાઇઝ મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી ગાંધીનગરમાં આકાર લેવા જઈ રહ્યું છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ, 3 ફ્લોર પર પોલીસ સ્ટેશન અને બાકીના 8 માળ પર પોલીસ પરિવારને રહેવા માટે 2BHK ફ્લેટ બનાવાશે.

અંદાજિત 20 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર આ પ્રોજેક્ટને ગૃહ વિભાગ તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આ મહિનાના અંત સુધી ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવાશે. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનનું આ હાઈરાઇઝ ‘મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી’ ધોળાકુવા મેટ્રો સ્ટેશનથી સ્વામિનારાયણધામ સ્કૂલ તરફ જવાના રોડ પરની એક વીઘો જગ્યામાં વર્ષ 2026 એટલે કે આવતી દિવાળી સુધીમાં કાર્યરત કરી દેવાનું આયોજન છે.

લોકોમાં અસમંજસ રહેતા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન બનાવ્યું હાલમાં ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન સેકટર-7 શોપિંગની બાજુમાં કોમ્યુનિટી હૉલ સામે કાર્યરત છે. જ્યારે સેક્ટર-7નું પોલીસ સ્ટેશન સેકટર-6 માં કાર્યરત છે. જેના લીધે અરજદારોને અસમંજસ અનુભવવી પડી રહી છે. જેનું મુખ્ય કારણ ભૂતકાળમાં ઇન્ફોસિટી પોલીસનો હદ વિસ્તાર સેકટર-7 પોલીસ મથકની હદમાં આવતો હતો. જે પછી ધીમે ધીમે ન્યૂ ગાંધીનગરનો વિકાસ થતા વસતિની દૃષ્ટિએ અલગથી ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની રચના કરાઇ હતી.

હજુ સુધી પોતાનું બિલ્ડિંગ નથી જોકે વહીવટી કારણોસર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનનું પોતાનું બિલ્ડિંગ બની શક્યું ન હતું. જેના પગલે રવિ તેજા વાસમ શેટ્ટીએ ગાંધીનગર એસપી તરીકે ચાર્જ સંભાળ્યાના થોડા મહિનામાં જ આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરીને દરખાસ્ત કરી હતી. જેને સિદ્ધાંતિક મંજૂરી મળી ગઇ છે. આમ ન્યૂ ગાંધીનગરના વિકાસ બાદ વધતી વસતિને ધ્યાનમાં રાખીને આ નવું મોડલ પોલીસ સ્ટેશન ઇન્ફોસિટી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનાને વધુ મજબૂત બનાવશે.

જિલ્લા એસપીની દરખાસ્તને મંજૂરી મળતા કામ શરૂ થશે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ કરેલી દરખાસ્ત પર લીલી ઝંડી મળતા જ અંદાજિત 20 કરોડના ખર્ચે આ અત્યાધુનિક ઇમારત ધોળાકુવા મેટ્રો રેલવે સ્ટેશન પાસે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન માટે એક વીઘા જમીનમાં તૈયાર થશે.

એક ફ્લોર ઉપર ચાર ફ્લેટ બનશે આ ઇમારતમાં પોલીસ સ્ટેશન અને પોલીસકર્મીઓના રહેણાંકની સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ થશે. આ સ્માર્ટ મોડલ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સીની સુવિધાઓની વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગની અલાયદી સુવિધા હશે. બાદમાં પ્રથમ ત્રણ માળ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન અને તેની ઉપર આઠ માળમાં 2BHK ફ્લેટ જેવા આવાસો બનશે. જેના એક ફ્લોર ઉપર ચાર ફ્લેટ બનશે.


Related Posts

Load more