બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, શહેરમાં દિવાળીની રાત્રે ભક્તિનગર સોસાયટી શેરી નંબર પાંચમાં આવેલા રહેણાંક મકાનમાં પોતાના પરિવાર સાથે રહેતા 30 વર્ષીય દિશાંત રાણપરા નામના સોની વેપારીના ઘરે ચોરી થઈ છે. જેથી તેમણે અજાણ્યા વ્યક્તિ દ્વારા 8 લાખ રોકડ, 29,50,000 ની કિંમતના 572 ગ્રામ સોનાના દાગીના તેમજ ત્રણ કિલો ચાંદીના દાગીના સહિત કુલ 40 લાખ 30 હજાર રૂપિયા જેટલી રકમની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર મામલે દિશાંત રાણપરા દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 305 (A), 331 (4) સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં દિશાંત રાણપરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સોમવારના રોજ દિવાળીનો તહેવાર હોવાથી અમારી પેલેસ રોડ પર આવેલી દુકાન ખાતે ચોપડા પૂજન કરવા સાંજના સમયે નીકળ્યા હતા. તેમજ ચોપડા પૂજન કરીને રાત્રિના 11:30 વાગ્યા બાદ ઘરે પરત ફરતા ઘરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું. તેમજ સામાન પણ વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. ઘરમાં તપાસ કરતા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સહિતની રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ઘટનાને લઈને ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે કોઈ જાણભેદુ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા બનાવ સંદર્ભે સ્થળની મુલાકાત લઈ સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં પરિવાર સાથે જોડાયેલ કોઈ વ્યક્તિ ચોરીમાં સામેલ હોવાનું ખુલે છે કે પછી અન્ય કોઈ વ્યક્તિ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.