હિમાચલના બિલાસપુરમાં ભૂસ્ખલનની ઝપેટમાં આવી બસ, મુસાફરો કાટમાળમાં દબાયા, 18ના મૃતદેહ બહાર કઢાયા

By: Nation Gujarat Team
08 Oct, 2025

Himachal Pradesh News: હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મોટી દુર્ઘટના બની છે. બિલાસપુર જિલ્લાના ઝંડૂતા તાલુકાના બાલૂઘાટ નજીક બુધવારે મોડી સાંજે ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) થતાં એક બસ તેની ઝપેટમાં આવી હતી, જેના કારણે અનેક લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, બસ પર અચાનક પહાડનો કાટમાળ પડતા બસમાં સવાર મુસાફરો દબાયા હતા. દુર્ઘટના બાદ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા કાટમાળ હટાવવા અને દબાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. બસમાં 25થી 30 મુસાફરો સવાર હોવાનો અંદાજ છે.

18 મૃતદેહોને બહાર કઢાયા

JCBની મદદથી બસને તોડીને મુસાફરોને બહાર કાઢવા પડ્યા હતા. જેમાં મોડી રાત સુધીમાં 18 મૃતદેહોને બહાર કઢાયા હતા, જ્યારે 2 બાળકો સહિત 3ને જીવતા બહાર કઢાયા હતા. બસમાં કેટલા મુસાફરો સવાર હતા તેનો આંકડો હજુ સુધી બહાર નથી આવ્યો. હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે.આસપાસના લોકો પણ રાહત અને બચાવ કામગીરીમાં લાગ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે, બચાવ કામગીરી આખી રાત ચાલુ રહેશે અને જલ્દીથી ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

મંગળવારે સાંજે (7 ઓક્ટોબર, 2025) પ્રધાનમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દુર્ઘટના અંગે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં પીએમ મોદીએ કહ્યું, “હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં અકસ્માતમાં થયેલી જાનહાનિથી દુઃખી છું. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે. હું ઈજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી આપવામાં આવશે.”


Related Posts

Load more