જિલ્લા મથક થરાદમાં કચેરીઓનો પ્રારંભ
આજે સવારે થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં નવા વાવ-થરાદ જિલ્લાની વિધિવત શરૂઆત કરવામાં આવી. જિલ્લા મથક થરાદ ખાતે જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરીની સ્થાપના કરવામાં આવી છે.
સરકાર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તરીકે કે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા તરીકે ચિંતન જે. તરૈયા અને જિલ્લા કલેક્ટર તરીકે કાર્તિક જીવાણીની નિમણૂક કરી દેવાઈ છે. આ સાથે જ અન્ય વિભાગોની કચેરીઓને કાર્યરત કરવામાં આવી છે. આથી સરહદી તાલુકાઓમાં લાંબા સમયથી ચાલતી માગ પૂરી થઈ છે. સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
કયા તાલુકાઓનો સમાવેશ થયો
- વાવ
- સૂઇગામ
- ભાભર
- થરાદ
- દિયોદર
- લાખણી
- ધરણીધર (નવો તાલુકો)
- રાહ (નવો તાલુકો)
બનાસકાંઠા જિલ્લાના નવા આકાર
વિભાજન પહેલાં બનાસકાંઠા જિલ્લામાં કુલ 14 તાલુકા હતા. હવે વિભાજન બાદ વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકા સામેલ થયા છે, જ્યારે બાકીના 10 તાલુકા બનાસકાંઠા જિલ્લામાં રહ્યા છે.
બનાસકાંઠામાં હવે પાલનપુર, ડીસા, ધાનેરા, કાંકરેજ, ઓગડ, દાંતીવાડા, અમીરગઢ, વડગામ, દાંતા અને હડાદ તાલુકાઓનો સમાવેશ છે.
વિકાસને વેગ મળશે
સરકારે જણાવ્યું છે કે, નવા જિલ્લાના રચનાથી સરહદી તાલુકાઓના વિકાસને વેગ મળશે. વહીવટી તંત્ર નજીક આવવાથી નાગરિકોને ઝડપી, પારદર્શક અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ સેવાઓ મળશે. વાવ, થરાદ, સૂઇગામ અને ભાભર સહિતના વિસ્તારો લાંબા સમયથી જિલ્લા સ્તરે સેવાઓ માટે પાલનપુર કે ડીસા જેવા કેન્દ્રો પર આધાર રાખતા હતા. હવે સ્થાનિક કચેરીઓ કાર્યરત થતાં નાગરિકોને સીધી સુવિધાઓ મળશે.