ગુજરાતના રાજકારણમાં ચર્ચા તેજ બની : અમિત શાહે હાથના ઈશારે પાટીલને બોલાવ્યા, કંઈક નવાજૂની થશે!

By: nationgujarat
22 Sep, 2025

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતની મુલાકાતે છે. પરંતું સુરતમાં કંઈક એવું બની રહ્યું છે, જેને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ છે. બે ઘટનાએ રાજકીય પંડિતોનું ધ્યાન ખેંચ્યું છે, અને હવે કંઈક નવાજૂની થશે તેવા ક્યાસ લગાવી રહ્યાં છે.

પ્રથમ ઘટના 
ગૃહમંત્રી અમિત શાહ ગચ્છાધિપતિના દર્શન બાદ સુરત એરપોર્ટ જવાના હતા. પરંતું કાર્યક્રમમાં ફેરફાર કરી અમિત શાહ સુરત એરપોર્ટના બદલે સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. અમિત શાહની કારમાં જળસંચય મંત્રી સી.આર. પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી જોવા મળ્યા હતા. આ મુલાકાતથી ગુજરાતમાં મંત્રીમંડળના ફેરફારને લઈ અનેક તર્ક વિતર્ક ઉભા થયા. અમિત શાહ સાથે સી આર પાટીલ બેઠક કરે તેવી શક્યતા છે. વહેલી સવારે શંકર ચૌધરી પણ ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. તો ડાયમંડ ઉદ્યોગકાર લાલજી પટેલ મુકેશ પટેલ અને દિનેશ નાવડીયા પણ ગૃહ મંત્રી અમિત શાહને મળવા માટે પહોંચ્યા.

બીજી ઘટના
વરાછા ખાતે ઇસ્કોન મંદિરના ભૂમિપૂજનમાં અમિત શાહ પહોંચ્યા હતા. ત્યારે ભૂમિપૂજન દરમિયાન અમિત શાહે સી.આર. પાટીલને હાથના ઈશારે આગળ બોલાવ્યા હતા. પાટીલ સંતોની પાછળ ઊભા હતા ત્યારે અમિત શાહે તેમને આગળ આવવા કહ્યું. સી.આર. પાટીલ તરત જ આગળ આવી પૂજા વિધિમાં જોડાયા હતા. શાહ અને પાટીલની અનોખી ક્ષણ વિશે સૌનું ધ્યાન ખેંચાયું હતું. આમ, રાજકીય વર્તુળોમાં આ ઘટનાની ચર્ચા તેજ બની છે. સામાન્ય રીતે નેતાઓ ગોઠવાયેલા રહેતા હોવા છતાં શાહે પોતે પહેલ કરી હતી. શાહનો ઈશારો ભવિષ્યના રાજકારણના સંકેત તરીકે જોવામાં આવે છે. સી.આર. પાટીલ ગુજરાતના ભાજપના ‘ચાણક્ય’ તરીકે ઓળખાય છે, અમિત શાહ રાજનીતિના ચાણક્ય ગણાય છે. આખરે આ બંને વચ્ચે એવુ તો શું થયું હશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતની મુલાકાતે હોઈ આજે સુરત શહેરના સામાજિક આગેવાનો મળવા માટે પહોંચ્યા હતા. પદ્મશ્રી મથુર સવાણી, કોમન સિવિલ કોડ ના સભ્ય ગીતા શ્રોફ સહિતના આગેવાનો અમિત શાહને મળવા પહોંચ્યા હતા. લગભગ સવારે 10:30 વાગે સર્કિટ હાઉસથી અમિત શાહ ઈસ્કોન મંદિરનું ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. 101 કરોડના ખર્ચે એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું છે. આ મંદિર માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર નહીં, પરંતુ સમાજ કલ્યાણનું પણ મોટું માધ્યમ બનશે. મંદિર પરિસરમાં મહિલા રોજગાર કેન્દ્ર, આરોગ્ય ક્લિનિક અને ગરીબો માટે મફત ભોજનની સુવિધા જેવી સામાજિક પહેલ પણ શરૂ કરવામાં આવશે.


Related Posts

Load more