રાજકોટ, તા. 19
સમગ્ર ગુજરાતના ચકચારી તત્કાલીન ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયાની ધ્વજવંદનના કાર્યક્રમમાં જ જાહેરમાં ગોળી મારીને હત્યા કરવાના કેસમાં આરોપી અનિરૂધ્ધસિંહ જાડેજાને ફરી વખત ઝટકો લાગ્યો છે. સુપ્રિમ કોર્ટે સરેન્ડર થવા માટે આપેલો આઠ દિવસનો સમય પાછો ખેંચી લીધો છે અને આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં શરણે થઇ જવાનો આદેશ જારી કર્યો છે.
સ્વ.પોપટભાઇ સોરઠીયા હત્યા કેસમાં સજા માફી પામેલા રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાની સજા માફીના પડકારતી અરજી પર હાઇકોર્ટે માફી રદ્દ કરી હતી. ગત મહિને ગુજરાત હાઇકોર્ટે સજા માફી રદ્દ કરવાનો અને એક મહિનામાં જેલમાં સરેન્ડર થવાનો હુકમ કર્યો હતો. ગઇકાલે એક મહિનાની મુદ્દત પૂર્ણ થતી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટે પણ આ હુકમ સામે સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
ગઇકાલે ફરી વખત અનિરૂધ્ધસિંહના વકીલે સુુપ્રીમ કોર્ટના જસ્ટીસ દિપાંકર દત્તાની કોર્ટમાં અરજી કરીને સરેન્ડર થવા માટે એક સપ્તાહની મુદ્દત માંગી હતી. સુપ્રીમ કોર્ટે મંજુર કરી હતી અને તેના આધારે અનિરૂધ્ધસિંહ જાડેજા જેલમાં સરેન્ડર થયા ન હતા. આ સમગ્ર હકીકત ફરીયાદી પક્ષને ધ્યાનમાં આવતા આજે સુપ્રીમ કોર્ટની ઉઘડતી અદાલતે જ અરજી દાખલ કરી હતી.
જસ્ટીસ દિપાંકર દત્તાની કોર્ટમાં કરાયેલી આ અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, અનિરૂધ્ધસિંહ જાડેજાના વકીલે દાખલ કરેલી અરજી વિશે ફરિયાદી પક્ષે આગોતરી જાણ કરવામાં આવી ન હતી અને અદાલતને પણ આ વિશે અંધારામાં રાખવામાં આવી હતી. નિયમ મુજબ ફરિયાદી પક્ષને પણ આ અરજી વિશે જાણ કરવાની હોય છે. આ અરજી ફરિયાદી પક્ષની જાણ બહાર કરી દેવામાં આવી હતી.
ફરિયાદી પક્ષે એવી પણ દલીલ રજુ કરી હતી કે, હાઇકોર્ટે અનિરૂધ્ધસિંહને ચાર સપ્તાહમાં સરેન્ડર કરવાનો હુકમ કર્યો ત્યારે દર સપ્તાહે હાજરી પુરાવવાની શરત પણ મૂકી હતી. પરંતુ તેનું પાલન કરવામાં આવ્યું ન હતું. ગઇકાલની અરજી વિશે ફરિયાદી પક્ષને જાણ કરવામાં આવી હોત તો સમગ્ર હકીકત અદાલત સમક્ષ રજુ કરી શકયા હોત આ સંજોગોમાં અદાલતને અંધારામાં રાખીને કરાયેલી અરજી અને મેળવાયેલો સ્ટે રદ્દ કરવાની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી સ્વીકારીને અનિરૂધ્ધસિંહને સરેન્ડર કરવા માટે આપેલી આઠ દિવસની મુદ્દત રદ્દ કરી નાંખી હતી અને આજે જ સરેન્ડર થઇ જવાનો આદેશ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે સ્ટે રદ્દ કરતા અનિરૂધ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં ફરી વખત વધારો થઇ ગયો છે અને આજે સરેન્ડર થવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પોપટભાઇ સોરઠીયા હત્યા કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની સજા માફી અને ત્યારબાદ તેને ફેંકાયેલા પડકારના ઘટનાક્રમથી રાજયભરમાં અદાલતી આદેશ પર મીટ માંડવામાં આવતી હતી.
હાઇકોર્ટે ગત મહિને સજા માફી રદ્દ કરીને અનિરૂધ્ધસિંહને સરેન્ડર થવા એક મહિનાની મુદ્દત આપી હતી. ગઇકાલે મુદ્દતના છેલ્લા દિવસે તે હાજર થશે કે કેમ તે વિશે અટકળો વ્યકત થતી હતી. જુનાગઢ જેલમાં હાજર થશે તેવી વાત પણ ઉપસી હતી અને તે પછી બપોરથી જુનાગઢ જેલ બહાર બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. જે દરમ્યાન રાત્રે અનિરૂધ્ધસિંહને સપ્તાહની મુદ્દત મળ્યાનો રીપોર્ટ જાહેર થતા સમગ્ર ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો હતો જે પછી આજે સુપ્રીમ કોર્ટે જ સપ્તાહની મુદ્દત રદ્દ કરી નાંખતા ફરી વખત જેલમાં જવાના સંજોગો સર્જાયા છે.
આ સમગ્ર પ્રકરણમાં હવે કોઇ નવા કાનુની જંગ ઉભા થાય છે કે કેમ તેના પર મીટ માંડવામાં આવી રહી છે. બીજી તરફ અનિરૂધ્ધસિંહને હાઇકોર્ટે સરેન્ડર થવા માટે ચાર સપ્તાહની મુદ્દત આપવાની સાથોસાથ દર સપ્તાહે પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવાની પણ શરત મુકી હતી પરંતુ તેનું પાલન ન કરાયું હોવાથી હાઇકોર્ટે આ મામલે પણ નોટીસ પાઠવીને જવાબ માંગ્યો છે.
આ ઉપરાંત અનિરૂધ્ધસિંહ જાડેજા હાજર થાય ત્યારે અમિત ખુંટ આત્મહત્યા કેસમાં ધરપકડ કરવાની પોલીસે તૈયારી રાખી હતી તે ઉંધી પડી હતી. હવે જોકે સુપ્રીમ કોર્ટે મુદ્દત પાછી ખેંચી લેતા આજે હાજર થવાની શકયતા છે ત્યારે અન્ય કેસમાં પણ તેની ધરપકડ કરવામાં આવે છે કે કેમ સહિતના મુદ્દે મીટ માંડવામાં આવી રહી છે.