મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં લાફાવાળી! સવાલ પુછતા સમર્થકે મારી દીધો લાફો

By: nationgujarat
05 Aug, 2025

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાજનગરમાં આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશના આગેવાનો ઉપરાંત મોરબી જિલ્લા અમાસની પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા, જિલ્લાના પ્રમુખ મહાદેવભાઇ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે પંકજભાઈ રાણસરિયા તથા મહાદેવભાઇ પટેલ દ્વારા સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આ જનસભાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં AAP નો એક કાર્યકર ઈસુદાન ગઢવીને સવાલ કરનાર યુવકને બધાની સામે લાફો મારતે નજરે પડે છે. આ વીડિયો સામે આવતા હવે આપનાં પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી સવાલોનાં ઘેરામાં આવ્યા છે. જેનાં પછી ભારે હોબાળો થયો છે.

આ વાઇરલ વીડિયોમાં AAP નાં એક કાર્યકર્તા દ્વારા ઇસુદાન ગઢવીને દિલ્હીમા આમ આદમી પાર્ટીએ નિષ્ફળ રહી છે તે અંગે  (Isudan Gadhvi) સવાલ કરનારા યુવકને સરાજાહેર લાફો ઝીંકવામાં આવ્યો હતો. સભા દરમિયાન જ્યારે ઇસુદાન ગઢવી લોકોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમને એક યુવક દ્વારા દિલ્હીની યમુના નદીની સમસ્યા સહિત કેટલાક સવાલ પૂછવામાં આવ્યા હતા. તે દરમિયાન, યુવક પાસે ઊભેલા આપનાં કાર્યકર્તાએ ઉશ્કેરાઈને યુવકને સરાજાહેર લાફો માર્યો હતો.

આ સાથે જે કાર્યકર્તાએ યુવકને લાફો માર્યો તેને કડક સજા કરવાની માગ પણ ઉઠી છે. ઘટના બાદ પીડિત યુવકે પણ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, માત્ર સવાલ કર્યો ત્યારે ના કાર્યકર્તાઓ અમને લાફો મારે છે તો પછી જ્યારે AAP ની સરકાર આવશે ત્યારે શું થશે ? આ સાથે યુવકે લાફો મારનારા સામે યોગ્ય કાર્યવાહીની માગ પણ કરી છે.

વર્ષોથી સત્તામાં ભાજપના ધારાસભ્ય હોવા છતાં પણ લોકોના કામ કરવામાં આવ્યા નથી જેથી લોકોને પ્રાથમિક સુવિધા માટે રસ્તા ઉપર ઉતરવું પડે છે અને પ્રાથમિક સુવિધાની માંગ કરવી પડે છે તે વ્યવસ્થાને બદલવા માટે આગામી સમયમાં આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપવા માટે લોકોને આહ્વાન કર્યું હતું ત્યારબાદ આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી દ્વારા સભાને સંબોધવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા અગાઉ જે વાયદા અને વચન લોકોને આપવામાં આવ્યા હતા.

તેને યાદ કરાવતા કહ્યું હતું કે, 400 રૂપિયાનો ગેસનો બાટલો 1200 નો થઈ ગયો છતાં કોઈ ભાજપ વાળા બોલતા નથી, ખેડૂતોને ખાતર નથી મળતું છતાં કોઈ ભાજપ વાળા બોલતા નથી, ઠેર ઠેર રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર પુલ તૂટે આવી બાબતો ગુજરાતમાં બની રહી છે તેમ છતાં કોઈ ભાજપ વાળા બોલતા નથી. આ સહિતની બાબતોને ટાર્ગેટ કરીને ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ પત્રકારોએ પૂછ્યું હતું કે તમામ ક્ષેત્રે ભાજપ નિષ્ફળ છે તો કેમ ભાજપ જ ચૂંટાય છે જેના જવાબમાં ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે, અત્યાર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ સામે કોઈ મજબૂત વિકલ્પ ન હતો પરંતુ હવે આમ આદમી પાર્ટીના રૂપમાં તેઓની પાસે મજબૂત વિકલ્પ છે અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા માટે થઈને આમ આદમી પાર્ટીને લોકો ચૂંટશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આટલું જ નહીં પરંતુ મોરબી મહાપાલિકાની 52 બેઠકો છે તેમાં પૂર્ણ બહુમતી સાથે આમ આદમી પાર્ટી વિજેતા થશે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપ અને કોંગ્રેસ તેના ઉમેદવારો જાહેર કરે ત્યારે પહેલા આમ આદમી પાર્ટી દ્વારા તેના ઉમેદવારોને જાહેર કરવામાં આવશે તેવું તેમણે અંતમાં જણાવ્યુ હતું.


Related Posts

Load more