Junagadh Bhavnath Temple: છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢના ભવનાથ મંદિરના વહીવટ અંગે વિવાદ ચાલી રહ્યો હતો, જેનો હવે અંત આવી ગયો છે. હવે વહીવટી તંત્રએ આ મંદિરને પોતાના હસ્તક લઈ લીધું છે અને મંદિર માટે વહીવટદારની નિમણૂંક કરવામાં આવી છે. આજે જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે વિધિવત રીતે ભવનાથ મહાદેવ મંદિરનો ચાર્જ સંભાળ્યો. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે મંદિરમાં પ્રાથમિક સુવિધાઓની ચકાસણી કરી છે. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલુ હોવાથી ભાવિકોની સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવે એ માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે ભવનાથ મહાદેવ મંદિરનો ચાર્જ સંભાળ્યા બાદ હવે મંદિર પરિસરમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું. ઉપરાંત આજે સાંજે વહીવટી તંત્ર દ્વારા મંદિરમાં મહાઆરતી કરવામાં આવશે. મહાઆરતી બાદ ઇન્વેન્ટરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દરમિયાન SDM ચરણસિંહ ગોહિલે મંદિરનો ચાર્જ સંભાળ્યા બાદ સમગ્ર મંદિર પરિસરમાં નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપી. તેમના જણાવ્યા અનુસાર, હવેથી મંદિર અને તેની આસપાસના પરિસરની ડીપ ક્લીન્સિંગની પ્રક્રિયા કરવામાં આવશે.અહીં દર્શને આવતા ભાવિક ભક્તોની સુવિધાને પ્રાથમિકતા આપીને સાફસફાઈના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. ત્યારે મંદિરનો ચાર્જ સંભાળ્યા પછી ચરણસિંહ ગોહિલે તેમની ટીમ સાથે મંદિરનું અને આસપાસના પરિસરનું નિરીક્ષણ કર્યું હતું.જુનાગઢના SDM ચરણસિંહ ગોહિલે કહ્યું, “માનનીય જિલ્લા કલેકટરની સૂચના અનુસાર, આજે અમને એવી સૂચના મળેલી કે મંદિરમાં, આજુબાજુના પરિસર અને તમામ જે મિલકત છે, એમાં ઊંડાણથી સાફ સફાઈની પ્રક્રિયા થાય અને મંદિર પરિસર એકદમ ચોખ્ખું થઈ જાય એ માટે આજે અહીં સફાઈ એજન્સીના માણસો કામ કરી રહ્યા છે. અમે એનું નિરીક્ષણ કરી રહ્યા છીએ.આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું કે “મંદિર પરિસરનું એક પ્રાથમિક નિરીક્ષણ અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. એના માટે થઈને આ મંદિરમાં મુલાકાત લેવામાં આવી છે. અને એમાં જે પણ જગ્યાએ સાફસફાઈ અને બીજી જે કોઈ જરૂરિયાત છે, એનું નિરીક્ષણ કરીને આગળની કાર્યવાહી માનનીય કલેકટર સાહેબની સૂચના પ્રમાણે કરવામાં આવશે.”