તમે મને સુપરસ્ટાર માનો છો, પણ સરકાર નથી માનતી…’, ‘નારાજ’ વિક્રમ ઠાકોર આવ્યા મેદાને

By: nationgujarat
15 Mar, 2025

ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવાના મામલે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર મેદાને છે. આ મામલે તેમણે અગાઉ વીડિયો થકી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હવે તેમણે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરીને મુદ્દાસર રજૂઆતો કરી હતી. વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘ઘણાં સમયથી હું જોતો આવ્યો છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજની સતત અવગણના થાય છે. આ બાબત સરકારની જાણ બહાર પણ હોઇ શકે, કલાકારોને મીડિયેટર વિધાનસભામાં લઈ ગયા હતા, પરંતુ હું ઘણાંં સમયથી જોઇ રહ્યો છું કે ઘણાં બધા સરકારી કાર્યક્રમો હોય તેમાં ઠાકોર સમાજનો કોઈ દીકરો કે દીકરી હોતા નથી.’

ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘વિધાનસભામાં કલાકારોને બોલાવ્યા તેનો વિરોધ નથી, પરંતુ ઠાકોર સમાજને સ્થાન નથી મળતું એનો વિરોધ છે. દરેક કલાકારનું સ્વાગત કર્યું સારી બાબત છે, મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મેં ધ્યાન દોર્યું છે. કલાકારને નાત-જાત નથી હોતી, સરકારે દરેક જાતિના કલાકારનું સન્માન કરવું જોઈએ. શંકરભાઈ ચૌધરીએ તમામ કલાકારને બોલાવ્યા હતા. સરકારી ઇવેન્ટોમાં પણ ઠાકોર સમાજને સરકારી કામ નથી મળતું. સરકારે ઠાકોર કલાકારને પ્રોત્સાહન આપવું જોઈએ. ઠાકોર સમાજ સહિત દરેક સમાજના ચાહક વર્ગ છે.’

અલ્પેશ ઠાકોર અને ગેનીબેનનું પણ વિક્રમ ઠાકોરને સમર્થન

વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘અલ્પેશ ઠાકોરે મારી સાથે વાત કરી હતી, સમાજ નક્કી કરશે તે સ્ટેન્ડ રહેશે. દરેક સમાજના કલાકાર મારી સાથે છે, ગેનીબેને મને સમર્થન કર્યું છે. ઠાકોર સમાજના ગાયકોને જોઈએ તેવું સ્થાન નથી મળતું, સરકારી કાર્યક્રમોને સ્થાન મળવું જોઈએ. ઠાકોર સમાજના નાના બાળ કલાકારોને સરકારે સ્થાન આપવું જોઈએ.’

તમે મને સુપરસ્ટાર માનો છો, પણ સરકાર નથી માનતી

વિધાનસભામાં કલાકારોને આમંત્રણ અંગે વાત કરતા વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘જ્યારે મારા ઘણાં વડીલો અને ઠાકોર સમાજના ઘણાંં બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઇ તમે નથી ગયા. ત્યારે મેં કહ્યું કે મને આમંત્રણ નથી. સરકારી કામ મેળવાની લાલચ નથી. મને કે મારા ઠાકોર સમાજના કલાકારોને સરકારી કામ નહી મળે તો ભૂખે મરશે નહીં. મેં ક્યારેય એવું કહ્યું નથી કે મને બોલાવો, હું ફિલ્મી કલાકાર છું, સાથે-સાથે ગાયક કલાકાર છું. ભજન ગાઉં છું, સંતવાણી અને માતાજીના ગરબા પણ કરું છું. એ લોકો નથી બોલાવતા એ તેમની મરજીની વસ્તુ છે. કદાચ હું તેમને ગમતો નહીં હોઉં, તમે બધા સુપરસ્ટાર કહો છો પરંતુ તેમને હું સુપરસ્ટાર લાગતો નહીં હોઉં. સામાન્ય એક સિંગર ઠાકોર સમાજમાંથી આવતો છોકરો હોય, તેનું શું વેલ્યૂ હોય એવું માનતા હશે કદાચ.’

આ પણ વાંચો: કલાકારોના વિવાદમાં ગેનીબેન ઠાકોરની એન્ટ્રી, કહ્યું- ‘સરકારની પક્ષપાતપૂર્ણ નીતિનો જીવંત પુરાવો’

મને 2007 નરેન્દ્ર મોદીએ ભાજપમાં જોડાવવા કહ્યું હતું

રાજકારણમાં જોડાવવા અંગે વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘આ બધુ રાજકારણમાં જોડાવવા માટે નથી કર્યું. મારા ઠાકોર સમાજના છોકરાઓને ન્યાય મળે તે માટે છે. તો તમે એમ ન વિચારતા કે રાજકારણમાં જોડાવવાનું છે એટલા માટે આ બધું થાય છે. જોઇ લો આ ખેસ છે તે ભાજપ કે કોંગ્રેસનો નથી.’

વડાપ્રધાન મોદીને પણ યાદ કરતા વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે, ‘જો મારે રાજકારણ જોડાવવું હોત તો 2007માં નરેન્દ્ર મોદીને ખાસ મળ્યો હતો અને તેમના આશીર્વાદ લીધા હતા’. તે વખતે મને પૂછ્યું હતું કે તારે રાજકારણમાં જોડાવવું છે, ત્યારે મેં કહ્યું હતું કે હું અત્યારે ફિલ્મલાઇન સાથે સંકળાયેલો છું અને મારું કામ સારું ચાલે છે. જ્યારે પણ ભવિષ્યમાં લાગશે કે હવે રાજકારણમાં જોડાવવું જોઇએ ત્યારે વાત કરીશ.


Related Posts

Load more