ઉનાળાના વેકેશન દરમિયાન અમેરિકા ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોવ તો ગયા વર્ષની સરખામણીએ રૂપિયા 20 હજાર જેટલા વધુ ખર્ચ કરવા પડી શકે છે. વાત એમ છે કે, ડોલર સામે રૂપિયાનો ભાવ ગગડીને 86.67 થઇ જતાં અમેરિકાનો પ્રવાસ મોંઘો થઇ ગયો છે.
છેલ્લા 5 વર્ષમાં ડોલર સામે રૂપિયાનો ભાવ 15 રૂપિયા 16 પૈસા વધ્યો
ઉનાળાના વેકેશનમાં વિદેશ ફરવા જવાનું હોય તો સામાન્ય રીતે લોકો જાન્યુઆરી-ફેબુ્રઆરીમાં તેના બૂકિંગ કરાવતા હોય છે. આ વખતે પણ વિદેશ પ્રવાસ માટે ઈન્ક્વાયરી-બૂકિંગનો પ્રારંભ થઇ ગયો છે. પરંતુ પેકેજ ગયા વર્ષની સરખામણીએ વધી ગયું છે. ગયા વર્ષની સરખામણીએ અમેરિકા માટે રૂપિયા 15થી 20 હજાર, યુરોપિયન દેશ માટે રૂપિયા 10 થી 15 હજાર, દુબઈ-સિંગાપોર માટે રૂપિયા 5થી 7 હજાર વધારે ખર્ચવા પડશે. હાલ અમેરિકાનું પેકેજ રૂપિયા 3.50 લાખથી રૂપિયા 7 લાખ, યુરોપનું પેકેજ રૂપિયા 3 લાખથી રૂપિયા 6 લાખ, દુબઇનું પેકેજ રૂપિયા 1 લાખથી રૂપિયા 1.25 લાખ,જ્યારે સિંગાપોરનું પેકેજ રૂપિયા 1.25 લાખ આસપાસ હોય છે.
પાંચ વર્ષ અગાઉ ફેબ્રઆરી 2020માં ડોલર સામે રૂપિયાનો ભાવ 71.51 હતો. પાંચ વર્ષમાં ડોલર સામે રૂપિયાનો ભાવ 15 રૂપિયા 16 પૈસા વધી ગયો છે. ગયા વર્ષે 15મી ફેબ્રુઆરીના ડોલર સામે રૂપિયાનો ભાવ 83.01 હતો.
પ્રવાસીઓની સંખ્યા પર કેટલી અસર પડશે?
ડોલર સામે રૂપિયાનો ભાવ ગગડતાં પ્રવાસીઓની સંખ્યા પર અસર પડશે કે કેમ તે અંગે ટૂરિઝમ ડેવલપમેન્ટ સોસાયટીના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું કે, ‘ગયા વર્ષની સરખામણીએ પેકેજમાં વધારો છતાં ગુજરાતથી વિદેશ પ્રવાસે જતાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડાની સંભાવના નહિવત્ છે. ડોલરના ભાવમાં સતત ફેરફારને પગલે ટૂર ઓપરેટરોએ હવે વિદેશ જવા માગતો પ્રવાસી જ્યારે ફૂલ પેમેન્ટ કરે ત્યારે જે ડોલરનો ભાવ હોય તે પ્રમાણે પેકેજના રેટ ગણવાનું શરૂ કર્યું છે. અગાઉ વર્ષ દરમિયાન ડોલરના ભાવમાં આટલા ફેરફાર થતા નહોતા. ત્યારે પ્રવાસી જે થોડું-ઘણું પેમેન્ટ કરતો એ વખતે જે ડોલરનો ભાવ હોય તે મુજબ જ રેટ ગણાતો હતો.’