દેશભરમાં વર્તમાન અને પૂર્વ સાંસદો અને ધારાસભ્યોની સામે કુલ પાંચ હજાર કેસો કોર્ટોમાં પેન્ડિંગ છે, આ માહિતી સુપ્રીમ કોર્ટને આપવામાં આવી છે સાથે જ આ તમામ કેસોના ઝડપથી નિકાલની માગણી પણ કરવામાં આવી છે. ઝડપથી નિકાલની માગ કરતી પીઆઇએલમાં સુપ્રીમને મદદ કરનારા વકીલે વધુમાં કોર્ટને જણાવ્યું હતું કે વારંવાર આદેશો છતા નેતાઓ સામેના કેસોનો નિકાલ નથી આવી રહ્યો.
સુપ્રીમ કોર્ટમાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો-સાંસદો સામેના કેસોના ઝડપી નિકાલની માગ કરતી પીઆઇએલ થઇ હતી, જેમાં સુપ્રીમ કોર્ટમાં મદદનીશ તરીકે વકીલ વિજય હંસારિયાએ સોગંદનામુ રજુ કર્યું હતું, વકીલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો આદેશ, હાઇકોર્ટ દ્વારા મોનિટરિંગ છતા મોટી સંખ્યામાં કેસો પડતર છે. જેનાથી આપણા દેશની લોકશાહી પર ડાઘ લાગ્યો છે. કેટલાક કેસો તો વર્ષોથી પેન્ડિંગ છે. જેના પરથી સાબિત થાય છે કે આવા કેસોમાં આરોપી નેતાઓનો તપાસ અને ટ્રાયલ પર દબદબો છે. એટલુ જ નહીં નેતાઓ ટ્રાયલ પણ ચલાવવા નથી દેતા.
વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા વર્ષ 2016 માં પીઆઇએલ કરાઇ હતી જેમાં તેમણે દોષિત ઠરેલા નેતાઓના ચૂંટણી લડવા પર પ્રતિબંધની માગણી કરી હતી. કેસમાં કોર્ટને મદદ કરનારા વકીલે જણાવ્યું હતું કે ચૂંટાયેલા તેમજ પૂર્વ જનપ્રતિનિધિ સામે કુલ 4732 ક્રિમિનલ કેસો પેન્ડિંગ છે, ગયા વર્ષે જ આવા 892 કેસો દાખલ થયા છે. એડીઆરના રિપોર્ટને રજુ કરતા વકીલે કહ્યું હતું કે હાલની લોકસભામાં કુલ 543 સાંસદોમાંથી 251 સામે ક્રિમિનલ કેસો છે, જેમાં 170 કેસો અત્યંત ગંભીર ગુનાના છે જેમાં પાંચ વર્ષ કે તેથી વધુ વર્ષની કેદની સજાની જોગવાઇ છે. કેમ કેસોની સુનાવણી કે નિકાલમાં વિલંબ થઇ રહ્યો છે તેનું કારણ આપતા વકીલે જણાવ્યું હતું કે આરોપી નેતાઓ કોર્ટમાં હાજર નથી થતા, સાક્ષીઓની યોગ્ય તપાસ નથી થતી. હાઇકોર્ટો દ્વારા પણ આ મામલાની નોંધ લેવાઇ હોવા છતા ટ્રાયલ શરૂ નથી થઇ રહી. જે કેસોમાં બે વખત સમન્સ છતા આરોપીઓ હાજર ના રહ્યા હોય તેવા કેસોમાં બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવું જોઇએ અને ધરપકડ થવી જોઇએ.