બાંગ્લાદેશ સરકારે ફરી એકવાર હિન્દુઓ પરના હુમલાઓને અવગણવાનો પ્રયાસ કર્યો છે. બાંગ્લાદેશી સરકારે હિન્દુ લઘુમતીઓ પરના હુમલાઓને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે. પોલીસ રિપોર્ટને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે હુમલાઓ સાંપ્રદાયિક નહોતા.
બાંગ્લાદેશ પોલીસે વોટ્સએપ નંબર જાહેર કર્યો
બાંગ્લાદેશ પોલીસે હિન્દુ લઘુમતી સમુદાયના લોકોને સંપર્કમાં રહેવા અને સાંપ્રદાયિક હિંસાની સીધી ફરિયાદો મોકલવા માટે એક વોટ્સએપ નંબર બહાર પાડ્યો છે. વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની પ્રેસ શાખાએ એક નિવેદન બહાર પાડીને આ માહિતી આપી હતી.
યુનુસ સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ દ્વારા કરવામાં આવેલા દાવા બાદ આ તપાસ હાથ ધરી હતી. દાવા મુજબ અનામત વિરોધી આંદોલન વચ્ચે પદભ્રષ્ટ શેખ હસીનાના ગયા વર્ષે 5 ઓગસ્ટે દેશ છોડી ભાગી જવાના એક દિવસથી પહેલાથી લઈને ચાલુ વર્ષે આઠ જાન્યુઆરી સુધી કોમી હિંસાની 2,010 ઘટનાઓ બની હતી. આ ઘટનાઓમાંથી 1,769 હુમલા અને તોડફોડ સાથે સંબંધિત હતી અને પોલીસે અત્યાર સુધીમાં દાવાઓના આધારે કુલ 62 કેસ નોંધ્યા છે અને તપાસના આધારે ઓછામાં ઓછા 35 આરોપીઓની ધરપકડ કરી છે.
મોટાભાગના હુમલા રાજકીય પ્રેરિત હતા…
જોકે, નિવેદનમાં એવો દાવો કરાયો છે કે તપાસ જણાવે છે કે મોટાભાગના કિસ્સાઓમાં હુમલાઓ સાંપ્રદાયિક સ્વભાવના નહોતા પરંતુ રાજકીય રીતે પ્રેરિત હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે 1,234 ઘટનાઓ રાજકીય હતી. જ્યારે 20 ઘટનાઓ સાંપ્રદાયિક હતી અને ઓછામાં ઓછા 161 દાવા ખોટા કે બનાવટી હતા. નિવેદન અનુસાર, કાઉન્સિલના દાવા મુજબ, 5 ઓગસ્ટ, 2024 ના રોજ જ્યારે હસીના સરકારને સત્તા પરથી દૂર કરવામાં આવી ત્યારે 1,452 ઘટનાઓ (કુલ ઘટનાઓના 82.8 ટકા) બની હતી. 4 ઓગસ્ટના રોજ ઓછામાં ઓછી 65 ઘટનાઓ બની હતી અને 6 ઓગસ્ટના રોજ 70 ઘટનાઓ બની હતી.