આવતીકાલે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર:7 દિવસનો રાષ્ટ્રીય શોક; રાહુલે કહ્યું- મેં મારા ગુરુ ગુમાવ્યા

By: nationgujarat
27 Dec, 2024

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે 8.06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા હતા.

હોસ્પિટલના બુલેટિન અનુસાર, તેમને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રાત્રે 9:51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

મનમોહન સિંહ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા હતા. તેમણે મે 2014 સુધી આ પદ પર બે કાર્યકાળ પૂર્ણ કર્યા હતા. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન હતા.

મનમોહન સિંહના નિધનને કારણે કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે. તેમજ શુક્રવારના નિર્ધારિત તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે મોડી રાત્રે બેલાગવીથી દિલ્હી પહોંચ્યા બાદ સીધા મનમોહન સિંહના ઘરે ગયા હતા. રાહુલે X પર લખ્યું- મેં મારા માર્ગદર્શક અને ગુરુ ગુમાવ્યા છે.કેરળ સરકારે ડૉ. મનમોહન સિંહના માનમાં 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી 7 દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે.

મનમોહન સિંહ 3 એપ્રિલે રાજ્યસભામાંથી નિવૃત્ત થયા હતા. તેઓ 1991માં પહેલીવાર આસામથી રાજ્યસભા પહોંચ્યા હતા. ત્યારથી તેઓ લગભગ 33 વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા. છઠ્ઠી અને છેલ્લી વખત તેઓ 2019માં રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બન્યા.3 જાન્યુઆરી, 2014ના રોજ, મનમોહન સિંહે પીએમ તરીકે તેમની છેલ્લી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે 100થી વધુ પત્રકારોના 62 પ્રશ્નોના જવાબ આપ્યા હતા.


Related Posts

Load more