UP News : ઉત્તર પ્રદેશમાં સંભલના સપા સાંસદ જિયાઉર્રહમાન બર્કની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. વીજળી ચોરી મામલે વીજળી વિભાગે બર્ક પર હવે 1 કરોડ 91 લાખનો દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે, જૂનું મીટર બદલવા અને મીટર ટેપરિંગની વાત સાર્વજનિક કર્યા બાદ હવે વીજળી વિભાગે બર્કના ઘરે ઉપયોગ થતા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની લિસ્ટ રજૂ કરી છે. ચોંકાવનારી વાત છે કે, આ વીજળી વિભાગે સવારે જણાવ્યું હતું કે, બર્કના ઘરે છેલ્લાં એક વર્ષે મીટર રીડિંગ શૂન્ય મળી રહ્યું છે. વળી, હવે જે લિસ્ટ સામે આવ્યું છે, તેમાં બર્કના ઘરેથી 16.5 હજાર વૉટના ઉપકરણ મળી આવ્યા હોવાની વાત કરવામાં આવી છે.
વીજળી વિભાગે લિસ્ટ રજૂ કરીને જણાવ્યું કે, સપા સાંસદના બે માળના ઘરમાં 83 બલ્બ, 19 પંખા અને 3 એસી ચલાવવામાં આવી રહ્યા હતાં. આ સિવાય ગીઝરથી લઈને માઇક્રોવેવ સુધી તમામ ઉપકરણો વિશે પણ જણાવવામાં આવ્યું છે. વીજળી વિભાગની ટીમનું કહેવું છે કે, બર્કના ઘરે 16,480 વૉટના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.સપા સાંસદ બર્કના ઘરે લાગેલા 2 વીજળી મીટરમાં ટેમ્પરિંગના પુરાવા મળ્યા છે. થોડા દિવસો પહેલાં વીજળી વિભાગે સાંસદના ઘરે જૂના મીટર દૂર કર્યા હતાં, જેને સીલ કરવામાં આવ્યા હતાં અને લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતાં. સાંસદના ઘરના વીજળી બિલમાં આખા વર્ષનું રીડિંગ ઝીરો હતું.