અમદાવાદમાં નકલી તબીબે વૃદ્ધના ઘરે આવી ઢીંચણનું ઓપરેશન કરી 6 લાખ ખંખેર્યા, આ રીતે ફૂટ્યો ભાંડો

By: nationgujarat
19 Dec, 2024

Ahmedabad Crime: અમદાવાદના ઘોડાસરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વૃદ્ધને અજાણ્યા વ્યક્તિની સલાહ અનુસરવી ભારે પડી છે. ઘોડાસર વિસ્તારમાં રહેતાં વૃદ્ધનું નકલી તબીબે ઘરે આવી વૃદ્ધનું ઓપરેશન કર્યું અને 6 લાખ રૂપિયા ખંખરી લીધાં. સમગ્ર બાબતમાં વૃદ્ધના પૈસા પણ ગયાં અને પગની તકલીફ પણ જેમની તેમ રહી. હાલ, વૃદ્ધે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સમગ્ર મુદ્દે તપાસ કરી રહી છે.

શું હતી સમગ્ર ઘટના? 

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતાં સંજય સક્સેના ગત 15 ડિસેમ્બરે દીકરી અને જમાઈ સાથે સીજી રોડની હોટલમાં જમવા ગયા હતાં. થોડા સમય બાદ વૃદ્ધ જમીને બહાર નીકળ્યા ત્યારે ઢીંચણના દુખાવાના કારણે લંગડાતા હતાં. જેથી, એક અજાણ્યા શખસે તેમની પાસે આવીને કહ્યું કે, ‘મારા પિતાને પણ ઢીંચણનો દુખાવો થતો હતો, જેમની મુંબઈ ખાતે સારવાર કરાવતા તેઓને હવે સારૂ થઈ ગયું છે. તમારે પણ સારવાર કરાવવી હોય તો તે તબીબનો નંબર આપું તેને ફોન કરજો.’ આટલું કહી અજાણ્યો શખસ તબીબનો નંબર આપી ત્યાંથી જતો રહ્યો.

ફોન પર બોગસ તબીબે કરી વાત

નંબર મળ્યા બાદ વૃદ્ધે ઘરે જઈને અજાણ્યા શખસે આપેલાં નંબર પર ફોન કરીને તપાસ કરતાં તેમાં ડૉ. પાટીલ નામના વ્યક્તિ સાથે વાત થઈ. આ બોગસ તબીબે ફોન પર કહ્યું કે, ‘ટૂંક સમયમાં બે દિવસ માટે ગુજરાત આવીશ, ત્યારે તમને ફોન કરીને જણાવીશ.’ બાદમાં બોગસ તબીબે વૃદ્ધની માહિતી માંગતા વૃદ્ધે પોતાનું નામ, નંબર અને સરનામું લખાવી અપોઇમેન્ટ નોંધાવી દીધી હતી. બાદમાં ગત 16 ડિસેમ્બરે તબીબનો ફોન આવ્યો. જેમાં તેણે કહ્યું કે, ‘હું આવતીકાલે અમદાવાદ આવીશ અને સવારે નવ વાગ્યાની આસપાસે તમારા ઘરે વિઝિટ કરીશ તમે ઘરે રહેજો અને સવારે ગરમ પાણી પી લેજો, તેમજ બીજી કોઈ દવા ચાલું હોય તો આજે ન લેતા.’ આટલું જણાવી બોગસ તબીબે ફોન મૂકી દીધો.

નકલી સર્જરી કરી ખંખેર્યા 6 લાખ

જેના એક દિવસ બાદ તબીબે તેના આસીસ્ટન્ટ રાજુ પાટીલ સાથે વૃદ્ધના ઘરે વિઝિટ કરી અને તેના ઢીંચણની તપાસ કરી. જેમાં જમણાં પગમાં પસ થઈ ગઈ હોવાનું જણાવી એકવાર પસ કાઢવાના 6 હજાર થશે તેમ જણાવ્યું. વૃદ્ધે આ બાબતે સંમતિ આપી અને બાદમાં 158 વાર ઢીંચણમાંથી પસ કાઢવાની ટ્રીટમેન્ટ કરી. આ સારવારના 7 લાખ રૂપિયા આસિસ્ટન્ટને આપવા અને તે જે દવા આપે તે પીવાનું જણાવ્યું હતું. બાદમાં પોતાનું વિઝિટિંગ કાર્ડ આપી બોગસ તબીબ ત્યાંથી નીકળી ગયો.

આ પણ વાંચોઃ વડોદરામાં પાણીની તકલીફ ટાળવા એકબીજા વોટર સોર્સનું 8.60 કરોડના ખર્ચે આંતરિક જોડાણ કરાશે

પોલીસે હાથ ધરી તપાસ

વૃદ્ધે તબીબના આસિસ્ટન્ટ રાજુને વિનંતી કરી એક લાખ રૂપિયા ઓછા કરાવી આપો. જે વાત પર સંમતિ બનતા બંને બેન્કમાં ગયાં હતાં. ત્યાંથી વૃદ્ધે પોતાના ખાતામાંથી રોકડ 6 લાખ ઉપાડી રાજુને આપી પોતાના ઘરે આવતા રહ્યાં હતાં. દીકરીને ફોન કરી ઢીંચણની સારવાર ઘરે કરાવી હોવાનું જણાવતાં તેણે તેના પિતા પાસેથી તબીબનું વિઝિટીંગ કાર્ડ મેળવીને ઓનલાઈન તપાસ કરી. જેમાં ખુલાસો થયો કે, આવો તો કોઈ તબીબ છે જ નહીં. જેથી ઢીંચણની સારવાર માટે નકલી તબીબ બનીને આવેલાં શખસે 6 લાખ રૂપિયા પડાવી ફરાર થઈ ગયાં હોવાનો ખુલાસો થયો. બાદમે વૃદ્ધે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે ઠગીનો ગુનો નોંધી બોગસ તબીબની તપાસ હાથ ધરી છે.


Related Posts

Load more