China Nuclear Weapons Surpassed 600: અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટે પોતાના વાર્ષિક રિપોર્ટમાં ચીનની સેનાની તાકાતને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ચીન જે રીતે પરમાણુ બોમ્બનો ભંડાર વધારી રહ્યું છે તે ભારત અને અમેરિકા માટે મોટો ખતરો છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે વર્ષ 2024ના મધ્ય સુધીમાં ચીનના પરમાણુ બોમ્બની સંખ્યા 600ને પાર થઈ જશે. તેમજ વર્ષ 2030ના અંત સુધીમાં ચીન પાસે 1000થી વધુ પરમાણુ બોમ્બ હશે.
ચીન વધારી રહ્યું છે પરમાણુ હથિયાર
ચીન તેના પરમાણુ હથિયારોમાં ઝડપથી વધારો કરી રહ્યું છે. અગાઉ ગયા વર્ષના અહેવાલમાં આ સંખ્યા 500 હતી. એટલે કે ચીને એક વર્ષમાં 100 પરમાણુ બોમ્બ બનાવ્યા છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના વાર્ષિક અહેવાલ મુજબ ચીન તેના પરમાણુ શસ્ત્રોમાં વિવિધતા લાવી રહ્યું છે. તે લો-યીલ્ડ પ્રિસિઝન સ્ટ્રાઈક મિસાઈલથી લઈને ICBM સુધીની સિસ્ટમ્સ પર કામ કરી રહ્યું છે.ડિફેન્સ ડિપાર્ટમેન્ટેના રિપોર્ટ મુજબ, ચીન તેના સૈન્ય બળનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 2035 સુધીમાં સેનાના સંપૂર્ણ આધુનિકીકરણ અને 2050 સુધીમાં તેને વિશ્વની સૌથી શક્તિશાળી સેના બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમના પ્રયાસોને ચીની સૈન્ય અને સરકારની અંદર વ્યાપક ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશને કારણે અવરોધ આવી રહ્યો છે.
રિપોર્ટમાં વધી રહેલા ભ્રષ્ટાચારનો પણ ઉલ્લેખ
આ વર્ષના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પીપલ્સ લિબરેશન આર્મીની અંદર ભ્રષ્ટાચાર વધ્યો છે અને તે ભ્રષ્ટાચારને ઘટાડવા માટે ચીન પ્રયાસ કરી રહ્યું છે. આ ભ્રષ્ટાચાર પીઆરસીની મહત્વાકાંક્ષાઓને કેવી અસર કરી શકે છે તેના પર પણ ચીન ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.