ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી

By: nationgujarat
17 Dec, 2024

BJP Bakshi Panch Morcha: રાજ્યભરમાં અત્યારે ભાજપ સંગઠન એક્ટિવ થઇ ગયુ છે, હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને નવા સંગઠનની રચના માટે ચૂંટણી પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ આ બધાની વચ્ચે પક્ષને કલંકિત કરતી ઘટના સામે આવી છે. ખરેખરમાં, રાજકોટમાં શહેરના બક્ષીપંચ મોરચાના પ્રમુખ માખેલાએ વૉર્ડ પ્રમુખ બનવા માટે પોતાની ઉંમર 6 વર્ષ નાની બતાવવા જન્મના દાખલા અને આધારકાર્ડમાં જન્મ તારીખમાં ચેડાં કર્યા હોવાની વાત સામે આવી છે. હવે આ સમગ્ર મામલો બહાર આવતા વિપુલ માખેલા નામના નેતાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કવાયત શરૂ કરી દીધી છે. વોર્ડ પ્રમુખ માટે ભાજપે 40 વર્ષની વયમર્યાદા નક્કી કરી છે અને ખાસ કિસ્સામાં મહત્તમ 45 વર્ષની વય નિશ્ચિત કરાઇ છે.

રાજકોટ શહેરના વોર્ડ નં.14માં પ્રમુખ બનવા માટે રાજકોટ શહેર બક્ષીપંચ મોરચાના મંત્રી વિપુલ માખેલાએ ફોર્મ ભર્યું હતું, અને ફોર્મની સાથે જન્મના પુરાવા રૂપે દસ્તાવેજો રજૂ કરવાના હતા તેમાં જન્મના દાખલાની ઝેરોક્સ કોપી તથા આધારકાર્ડ ફોર્મની સાથે સામેલ કર્યું હતું. વિપુલ માખેલાની ઉંમર 50 વર્ષની છે, છતાં તેણે વોર્ડના પ્રમુખ પદ માટે દાવેદારી કરતાં પક્ષના જ કોઇ જાગૃત નાગરિકે પત્ર લખી જાણ કરતાં શહેર ભાજપમાં હડકંપ મચી ગઇ હતી. રાજકોટના ચૂંટણી અધિકારીએ વિપુલ માખેલાને બોલાવી જન્મનો સાચો દાખલો રજૂ કરાવતાં ભાંડો ફૂટી ગયો હતો. વિપુલ માખેલાનો જન્મ વર્ષ 1974માં થયો હતો, પરંતુ તેણે જન્મના દાખલા અને આધારકાર્ડમાં જન્મનું વર્ષ 1980 કરી નાખ્યું હતું. આ મામલો પ્રદેશ કક્ષાએ પહોંચ્યો છે અને વિપુલને પક્ષમાંથી સસ્પેન્ડ કરાશે તેવા નિર્દેશો મળી રહ્યા છે.


Related Posts

Load more