દરેક વાહનચાલક માટે કામની માહિતી, આ રીતે કેન્સલ કરાવો ખોટી રીતે આવેલો ઈ-મેમો

By: nationgujarat
16 Dec, 2024

Traffic Rules : ગુજરાત પોલીસ હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર પર આકરા પગલા લઈ રહી છે. હવે તો સીસીટીવી કેમેરાની બાજ નજરમાં નિયમો તોડનારા કેદ થઈ જાય છે, એટલું સીધું ઈ-ચલાણ ઘરે આવી જાય. પરંતું કેટલાક કિસ્સાઓમાં એવું પણ બને છે કે, નિયમોનો ભંગ ન કર્યો હોય છતાં ઈ-મેમો ઘરે પહોંચી જાય છે. આવામાં ખોટો ઈ-મેમો આવી જાય તો શું કરવાનું. તેનો પણ  ઉપાય છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે ખોટી રીતે આવી જતા ઈ-ચલાણ પર શું કરવું તેનું સોલ્યુશન આપ્યું છે.

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ખોટી રીતે ઇશ્યૂ કરવામાં આવેલા ઇ-ચલણને કેવી રીતે રદ કરવું તે જણાવવામાં આવ્યું છે. સાથે જ પોલીસે જણાવ્યું કે, Technical અથવા Human error ના લીધે જો આપને લાગે છે કે આપને ખોટું ઈ-ચલણ મળેલ છે તો આપ વીડિયોમાં દર્શાવ્યા મુજબ આપનું ઈ-ચલણ રદ કરાવી શકો છો. ટેકનિકલ અથવા માનવીય ભૂલને લીધે મળતાં ખોટા ઈ-ચલણથી રાહત મળી શકે છે.

કેવી રીતે કેન્સલ કરાવશો ઈ-ચલાણ
અમદાવાદ ટ્રાફિક પોલીસના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં જણાવાયું કે, આપને જે ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવ્યું છે. તેમાં જે વ્હીકલ દેખાય છે એ વ્હીકલ આપનું નથી તો તમારે જરા પણ ગભરાવવાની જરૂર નથી. જો તમને આ ક્ષતિ જણાય તો તમે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમના ઇ-મેઇલ આઇડી csims- ahd@gujarat.gov.in પર ઇમેઇલ કરી શકો છો. જો તમે ઇ-મેઇલ ન કરી શકો તમે રૂબરુ જઇને લેખીતમાં અરજી કરીને તેની તપાસ કરાવી શકો છો. તમારા દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે ટ્રાફિક શહેર પોલીસ દ્વારા તપાસ કરાવવામાં આવશે અને જો ખરેખર તમને જે ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવ્યું છે તે ખોટી રીતે ઇશ્યૂ કરવામાં આવ્યું હશે તો તેને રદ કરવામાં આવશે. જેને ઇશ્યુ કરવાનું હતું તેના બદલે તમને ઈશ્યુ થઇ ગયું છે તો ટ્રાફિક પોલીસ દ્વારા જે-તે વ્યક્તિને ઇ-ચલણ મોકલવામાં આવશે.

આમ, જો તમને એવું લાગે કે તમારા ઘરે મોકલવાયેલું ઈ-ચલાણ યોગ્ય નથી તો તમે પણ તેને કેન્સલ કરાવવા ક્લેઈમ કરાવી શકો છો.


Related Posts

Load more