પુષ્પા 2ના અભિનેતા અલ્લુ અર્જૂનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં દક્ષિણ ભારતના સુપરસ્ટાર અને પુષ્પા 2 ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જૂનની ધરપકડ થઈ છે. અત્રે જણાવવાનું કે 4 ડિસેમ્બરના રોજ ફિલ્મના સ્ક્રીનિંગ બાદ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ભાગદોડ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનો જીવ ગયો હતો. મહિલાની ઉંમર 35 વર્ષ હતી. આ મામલે અલ્લુ અર્જૂન અને થિયેટર મેનેજમેન્ટ પર કેસ દાખલ થયો હતો.
અલ્લુ અર્જૂને વ્યક્ત કર્યું હતું દુ:ખ
આ અગાઉ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જૂને મહિલાના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. બુધવારે રાતે 9.30 વાગે પુષ્પા 2 ધ રૂલના પ્રીમીયર વખતે એમ રેવતી નામની મહિલાનું ભાગદોડમાં મોત થયું હતું. અલ્લુ અર્જૂને એક્સ પર ઘટનાનો ઉલ્લેખ કરતા એક વીડિયો પોસ્ટ કર્યો અને દુ:ખ વ્યક્ત કર્યું હતું. અભિનેતાએ લખ્યું કે સંધ્યા થિયેટરમાં થયેલી દુ:ખદ ઘટનાથી ખુબ દુ:ખી છું. આ કપરા સમયમાં પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે. હું તેમને ખાતરી અપાવવા માંગુ છું કે તેઓ આ દર્દમાં એકલા નથી અને હું વ્યક્તિગત રીતે પરિવારને મળીશ. શોક મનાવવા માટે તેમની જરૂરિયાતનું સન્માન કરતા હું આ કપરી મુસાફરીમાંથી પસાર થવામાં તેમની દરેક શક્ય મદદ કરવા માટે પ્રતિબદ્ધ છું.
25 લાખ રૂપિયા આપ્યા
અલ્લુ અર્જૂને મૃત મહિલાના પરિજનોને આશ્વાસન આપ્યું કે તેઓ હંમેશા તેમના માટે હાજર રહેશે. અભિનેતાએ પરિવારને સદભાવના તરીકે 25 લાખ રૂપિયા પણ આપ્યા હતા.