કેન્યાના સ્વાતંત્ર્ય દિવસને જામ્હુરી ડે તરીકે ઓળખવામાં આવે છે. તેનું નામ સ્વાહિલી શબ્દ જામ્હુરી એટલે “રિપબ્લિક” પરથી લેવામાં આવ્યું છે. તારીખ ૧૨ ડિસેમ્બરે કેન્યાએ ૧૯૬૩ માં ગ્રેટ બ્રિટનથી તેની સ્વતંત્રતા મેળવી હતી. ૧૯ મી સદીના ઉત્તરાર્ધથી બ્રિટિશ શાસન હેઠળ, કેન્યા સત્તાવાર રીતે ૧૯૨૦માં બ્રિટિશ વસાહત બની ગયું. વસાહતી વહીવટીતંત્રે રાજકીય પ્રક્રિયામાં વધુ ભૂમિકા માટે આફ્રિકન માગણીઓનો વિરોધ કર્યો અને ૧૯૪૪ સુધી વસાહતની ધારાસભામાં આફ્રિકનનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જમીન અને સાંસ્કૃતિક પરંપરાઓ પરના વિવાદો ચાલુ રહ્યા અને વસાહતી શાસન સામેની ચળવળ વધતી ગઈ, જે ૧૯૫૦ના દાયકામાં માઉ માઉ બળવામાં પરિણમી, તે દરમિયાન મોટા ભાગના દાયકામાં દેશ કટોકટીની સ્થિતિમાં ડૂબી ગયો. બળવોના પરિણામે આફ્રિકનોએ કેટલીક સામાજિક અને આર્થિક છૂટછાટો મેળવી અને ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં આફ્રિકન રાજકીય ભાગીદારીમાં વધારો થયો. કેન્યાએ ૧૨ ડિસેમ્બર, ૧૯૬૩ના રોજ સ્વતંત્રતા મેળવી.આમ, જમ્હુરી દિવસનું આટલું ઐતિહાસિક મહત્વ છે
૧૨ ડિસેમ્બર ૧૯૬૩ના રોજ કેન્યાએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. આ સમયગાળા દરમિયાન શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પણ હાજર હતા. તેઓ પાંચમી વખત પૂર્વ આફ્રિકાના વિચરણાર્થે પધાર્યા અને ચાર મહિના સુધી અહીં સત્સંગ વિચરણ કર્યું હતું. તે સમયે સ્વામીબાપાએ કેન્યાના રાષ્ટ્રપતિને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમણે કેન્યાને વિકટ પરિસ્થિતિથી મુક્ત કરવાના આશીર્વાદ આપ્યા હતા. કેન્યા રાષ્ટ્રએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી તેણે આજકાલ કરતાં ૬૧ વર્ષ પૂરાં થાય છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ વિશાળ સંતવૃંદ સહિત ઇસ્ટ આફ્રિકામાં પધાર્યા છે. કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા વગેરે દેશોમાં વસતા હરિભક્તો તથા અન્યોમાં હિન્દુ સંસ્કૃતિની અસ્મિતા અખંડ જળવાતી રહે તે અર્થે તેઓ સંતમંડળ સાથે પધાર્યા છે.
કેન્યાના ૬૧ મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે વિશાળ સંતવૃંદ અને હરિભકતોની ઉપસ્થિતિમાં પરમ ઉલ્લાસભેર કરી હતી. ભૂલકાંઓ અને યુવાનોએ વિધ વિધ નૃત્યોની પ્રસ્તુતિ કરી ને પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો, વિદેશી પર્યટકો પણ ઉપસ્થિત રહ્યા હતા.