મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી કોણ બનશે? આ અંગે સવાલનો જવાબ હજુ સુધી મળ્યો નથી. પરંતુ કઈ પાર્ટીના મુખ્યમંત્રી હશે તે અંગે છેલ્લા ઘણાં દિવસોથી જે સસ્પેન્સ હતું તે હવે સમાપ્ત થઈ ગયું છે. NCPના નેતા અજિત પવારે મહારાષ્ટ્રમાં સરકારનું ચિત્ર સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે, ‘રાજ્યમાં મુખ્યમંત્રી ભાજપના હશે, જ્યારે શિવસેના અને NCPને DyCMનું પદ આપવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે યોજાશે. અમે મજબૂત વિઝન સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે.’
તેમણે કહ્યું કે, ‘બેઠક (મહાયુતિના નેતાઓની દિલ્હી બેઠક) દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો છે કે મહાયુતિ ભાજપના મુખ્યમંત્રીની સાથે સરકાર બનાવશે અને બાકીની બે પાર્ટીઓ એટલે કે NCP અને શિવસેના પાસે DyCM હશે. આ પહેલીવાર નથી જ્યારે નિર્ણયમાં વિલંબ થયો હોય. જો તમને યાદ હોય તો 1999માં સરકાર બનાવવામાં એક મહિનાનો સમય લાગ્યો હતો.’
મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ શનિવારે સાંજે જાહેરાત કરી કે, નવી મહાયુતિ સરકાર 5 ડિસેમ્બરે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેશે. જો કે, હજુ સુધી આ વાતનું સત્તાવાર એલાન નથી થયું કે મુખ્યમંત્રી કોણ હશે, પરંતુ અજિત પવારે દાવો કર્યો છે કે ભાજપના મુખ્યમંત્રી હશે.