Maharashtra CM Swearing Ceremony: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ બનશે? તે હજી સુધી નક્કી થયુ નથી. પરંતુ મુખ્યમંત્રી શપથ ગ્રહણ સમારોહની તારીખ જાહેર થઈ ગઈ છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, બે ડિસેમ્બરે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે. જેમાં ધારાસભ્યો પોતાના પક્ષના નેતાની પસંદગી કરશે.
આ દિવસે લેશે શપથ
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પાંચ ડિસેમ્બરે શપથ લેશે. મુંબઈના આઝાદ મેદાનમાં પાંચ ડિસેમ્બરે બપોરે એક વાગ્યે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જેમાં વડાપ્રધાન મોદી સહિત ભાજપના તમામ મુખ્યમંત્રીઓ અને અન્ય દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. કોને કયું મંત્રાલય સોંપવું તેનો નિર્ણય મહાયુતિ ગઠબંધનના ત્રણ પક્ષના દિગ્ગજ નેતાઓ નક્કી કરશે. તેમજ સરકારની વ્યૂહનીતિ અંગે પણ જાહેરાત કરશે.સૂત્રો અનુસાર, સરકારમાં જુદા-જુદા વિભાગોની ફાળવણી મુદ્દે ઘડવામાં આવેલી ફોર્મ્યુલાના આધારે મંત્રી પદ સોંપવામાં આવશે. જેમાં ભાજપ પાસે આશરે 21થી 22 મંત્રી પદ, શિવશેના જૂથ સાથે 10થી 12 મંત્રાલય અને અજિત પવારના એનસીપી જૂથ પાસે આશરે 8થી 9 મંત્રાલય રહેશે. મહારાષ્ટ્રમાં મંત્રી પદના કુલ ક્વોટામાં મુખ્યમંત્રી પદ સહિત 43થી વધુ મંત્રીઓ સામેલ હોય છે.
મુખ્યમંત્રી અંગે સતત અટકળો
મહાયુતિ ગઠબંધને પ્રચડ બહુમતી સાથે જીત મેળવી હોવા છતાં મુખ્યમંત્રીના પદ માટે સસ્પેન્સ વધારી રહી છે. ઘણાં લોકો ફડણવીસ મુખ્યમંત્રી બનશે તેવી બાંયેધરી આપી રહ્યા છે. જ્યારે ઘણાં લોકો એકનાથ શિંદે મુખ્યમંત્રી બનવા માગતા હોવાની ખાતરી કરે છે. આ મુદ્દે અંતિમ નિર્ણય લેવા માટે મહાયુતિ ગઠબંધનની બેઠકો ગઈકાલે યોજાવાની હતી. પરંતુ અચાનક શિંદે પોતાના ગામડે જતાં રહ્યા અને બેઠકો રદ કરવામાં આવી. નવી
સરકારની રચના મુદ્દે મહાયુતિમાં ચાલી રહેલા ધમસાણ વચ્ચે એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ ગૃહ મંત્રાલયની માગ કરી છે. શિંદે સેનાના નેતા સંજય શિરસાટે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની નવી સરકારમાં શિવસેનાને ગૃહ વિભાગ સોંપવામાં આવશે. ગૃહ વિભાગ સામાન્ય રીતે ડેપ્યુટી સીએમ પાસે હોય છે.